પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૫
મીરાંબાઈ


સાસરે ગયા પછી કદી નહિ મળે. આવા આવા વિચારોથી ભક્તશિરોમણિ મીરાંબાઈ શોકથી આકુળવ્યાકુળ થઈ ગઈ હતી.

પરંતુ વિવાહ કરીને સાસરે ગયા વગર કોઈને ચાલ્યું છે કે, બિચારી મીરાંને ચાલે ? મરજી હોય કે ન હોય, પણ મીરાંને સાસરે જવું જ પડ્યું.

સાસરે ગયા પછી મીરાં પોતાના પતિ ભોજરાજને ચાહવા લાગી, પણ પતિના પણ પતિ પરમેશ્વરને એ વીસરી ગઈ નહોતી.

પતિનું સુખ મીરાંબાઈ વધારે સમય સુધી ભોગવી શકી નહિ. લગ્ન પછી થોડાજ અરસામાં રાણા સંગના ગાદીવારસ મહારાજ કુમાર ભોજરાજનું તરુણ વયમાં મૃત્યુ થયું. પરંતુ વૈધવ્યના અસહ્ય દુ:ખમાં પણ વિધાતાની અપૂર્વ દયા સમાયેલી જોઈને, સાધ્વી મીરાં એમાં પણ સતોષ માનવા લાગી તથા પ્રભુભક્તિમાં મનને વિશેષ પરોવીને વૈધવ્યને સફળ કરવા લાગી.

મીરાંબાઈના વિધવા થયા પછી થોડે સમયે રાણા સંગનું પણું મૃત્યુ થયું. રાણા સંગની જગ્યાએ તેનો પુત્ર રત્નસિંહ વિ. સં. ૧૫૮૪ માં ગાદીએ બેઠો અને તેનો બીજો ભાઈ વિક્રમાજિત રણથંભોરની ગાદીએ બેઠો. રાણા રત્નસિંહનું પણ સ. ૧૫૮૮ માં બૂંદી રાજ્યની સરહદ ઉપર બૂંદીના મહારાવ સૂર્યમલને હાથે મૃત્યુ થયું, એટલે ચિતોડની ગાદી વિક્રમાજિતના હાથમાં આવી. એ વિક્રમાજિત ઘણા ખરાબ સ્વભાવનો હતો. એણે થોડો સમયજ રાજ્ય કર્યું હતું, પણ થોડા સમયમાંજ એ પોતાની પ્રજામાં ઘણો અપ્રિય થઈ પડ્યો હતો. એ રાજાનાં દુષ્ટ આચરણનું વર્ણન રાજસ્થાનના ઇતિહાસકારોએ ઘણી સારી રીતે કર્યું છે. મીરાંબાઈ ઉપર પણ સખ્તાઈ કરવામાં તથા તેને ભક્તિમાર્ગમાંથી વિમુખ રાખવા માટે તેણે કચાશ રાખી નહોતી.

મીરાંબાઈનાં સાસરિયાંએ તેને ગિરિધર ગોપાળની પૂજા છોડી દેવાનો આગ્રહ કર્યો હતો, પણ મીરાંએ સ્પષ્ટ કહી દીધું હતું કે:—

“મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ,
દૂસરા ન કોઈ, હે નાથ ! દૂસરા ન કોઈ.”

મીરાંબાઈની સાસુએ ક્રોધે ભરાઈને તેને જુદા મહેલમાં રાખી હતી. મીરાંને તો ભાવતું હતું અને વૈદે કહ્યું. જુદા મહેલમાં