પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૩૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૯
મીરાંબાઈ



હાથમાંથી મને બચાવો !!” દંતકથા એવી છે કે, એવી પ્રાર્થના કર્યા પછી તરતજ મીરાંબાઈ અંતર્ધાન થઈ ગઈ અને રણછોડજીની કૃપાથી સદ્‌ગતિને પામી ગઈ. જે લોકોએ તેને મંદિરમાં પેસતાં જોઈ હતી, તેમણે તેની ઘણીએ શેાધ કરી, પણ કંઈ પણ પત્તો લાગ્યો નહિ. અસ્તુ ! આ તો ભક્તોની માન્યતા છે. મહાન ભક્તોની અંતિમ લીલા સંબંધી ચમત્કારી વાત આપણા દેશમાં સર્વદા પ્રચલિત થાય છે, તે મીરાંબાઈના સંબંધમાં પણ એવી ચમત્કારી વાત કહેવાય તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. એટલું તો નક્કી છે કે, ભક્તશિરોમણિ મીરાંબાઈનો દેહાંત દ્વારિકા નગરમાં થયો હતો. તેનું મૃત્યુ સંવત ૧૬૦૩ ના વર્ષમાં થયેલું એમ સુપ્રસિદ્ધ ઈતિહાસવેત્તા મુનશી દેવીપ્રસાદજીનો અભિપ્રાય છે; પરંતુ કેટલાકના અભિપ્રાય પ્રમાણે, ત્યાર પછી પણ થોડા વર્ષ સુધી મીરાંબાઈ વિદ્યમાન હતી.

મીરાંબાઈ ઘણી વિદ્વાન સ્ત્રી હતી. તેનાં રચેલાં પદ ભારત વર્ષમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આપણી ગુજરાતી ભાષામાં પણ તેણે ઘણાં ભજન રચેલાં છે, એમ મનાય છે અને એ ભજન સંગ્રહ એક વિદ્વાન સાક્ષર તરફથી ભવિષ્યમાં થવાનો છે, એમ સાંભળવામાં આવ્યું છે. મીરાંબાઈના ચરિત્રમાંની ખરી ઘટનાઓમાંથી દંતકથાઓ છૂટી પાડીને સત્યાસત્યનો નિર્ણય કરવાની આશા અમે એ વિદ્વાન પાસેથીજ રાખીએ છીએ.

મીરાબાઈનાં ભજનોના સંબંધમાં રાજસ્થાનના સુપ્રસિદ્ધ ઈતિહાસવેત્તા, જોધપુર રાજ્યના મુન્સફ કાયસ્થ કુલભૂષણ મુનશી દેવીપ્રસાદજી શું કહે છે, તે અમે નીચે જણાવીએ છીએ:—

“મીરાંબાઈનાં ભજનો દરેક સ્થાને, મંદિરોમાં, સદ્‌ગૃહસ્થોના ઘરોમાં અને સાધુસંતોના સમાજોમાં ગવાય છે. તેમાં ખરાં તો ઘણાં થોડાં છે, બાકી નકલી ઘણાં છે, સાધુસંતોએ પુષ્કળ ભજન મીરાંબાઈના નામથી બનાવ્યાં છે અને એ ભજનમાં રાણાજીને મીરાંને પતિ ગણીને સાચીખોટી ઘણી વાત કહી છે. અજ્ઞાનતાને લીધે, એ લોકો મીરાંબાઈને રાણાજીની પત્ની માને છે. ખરું જોતાં એ વાત સર્વથા જૂઠી છે.”

એક વખત જોધપુરના મહારાજ શ્રી માનસિંહજીના દરબારમાં મીરાંબાઈના નામથી પ્રચલિત થયેલું એક બનાવટી પદ ગાવામાં આવ્યું હતું. પદ સાંભળીને એક દરબારીએ પૂછ્યું હતું