પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
દાહિર રાજાની રાણી


આપણે જોયું કે આપણા પવિત્ર શહેરના રક્ષણનો કોઈ ઉપાય હવે રહ્યો નથી; પણ સાંભળો ! રક્ષણનો ઉપાય નથી રહ્યો તેનો અર્થ કાંઈ એવો નથી થતો કે આપણે જીવતા રહીને શત્રુને તાબે થવું ! મરવું તો એક દિવસ છેજ, તો પછી ચાલો, આપણે બધાં મનુષ્યની પેઠે મરીએ. મનુષ્ય થઈને, ક્ષત્રિય થઈને, રજપૂત થઇને, મનુષ્યત્વહીન, પરાધીન જીવન કદી સ્વીકારીશું નહિ. અમે આર્ય નારી છીએ. સતીત્વને માટે પ્રાણ આપતાં કદી અચકાઈએ એમ નથી, સ્વામીના પરલોક સિધાવ્યા પછી અસાર જીવન ગાળવાને બદલે, સ્વામીની ચિતામાં બળીને સ્વામીના સાથી બનવું એ આપણું કર્તવ્ય છે. નગરવાસી બહેનો ! આજે આપણે બધીઓ સાથે મળીને એકજ ચિતામાં પ્રાણનું બલિદાન આપીશું. ત્યાર પછી આપણા આ ભયંકર મૃત્યુનું સ્મરણ હૃદયમાં તાજું રાખીને, આપણા વીર નાગરિકો શત્રુઓની સામા થશે અને શત્રુઓનો નાશ કરતાં કરતાં શત્રુઓની તલવાર વડે રણક્ષેત્રમાંજ ક્ષત્રિયોને શોભે એવા મૃત્યુને ભેટશે ! સાંભળો ! આજે આપણે જે પવિત્ર કઠોર, જૌહરવ્રતનું અનુષ્ઠાન કરીશું, તેનું અનુકરણ, પરદેશી અને પરર્ધમી દુશ્મનોને હાથેથી ધર્મનું રક્ષણ કરવા સારૂ, આપણી ભવિષ્યની રજપૂતાણીઓ કરશે અને એમ કરીને ભારતનારીનું પવિત્ર નામ ઉજ્જવલ કરશે.”

રાણી આટલું ભાષણ આપીને શાંત થઈ. સિંધ દેશના બધા વીરોએ મૂંગે મોંએ રાણીની આજ્ઞાને અનુમોદન આપ્યું.

એ વખતે શહેરની વચ્ચોવચ એક મોટી ચિતા સળગાવવામાં આવી. રાણી અને શહેરમાંની બીજી સ્ત્રીઓએ લાલ સાડીઓ પહેરીને હસતે હસતે ધગધગ સળગતી ચિતામાં પ્રવેશ કર્યો. જોતજોતામાં અગ્નિની હજારો ઝાળો આકાશને સ્પર્શ કરવા લાગી. હજારો મનુષ્યોએ ત્યાં ઊભા રહીને, પોતાની આંખો આગળ સિંધુરમણીઆનું આ મર્મભેદી દૃશ્ય જોયું. કોઇની માતા તો કોઈની સ્ત્રી, કોઈની ભગિની તો કોઈની કન્યા, એકે એકે આ ચિતામાં પ્રવેશ કરવા લાગી. વીરપુરુષોના હૃદયમાં પણ હજારો ચિતા સળગી ઊઠી.

ચોથોડી વારમાં એ સર્વ આર્ય રમણીઓ ભસ્મીભૂત થઈ ગઈ; એટલે ભયંકર ગર્જના કરીને હજારો વીરપુરુષો પ્રલયકાળના એક જ્વલંત