પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१०५–अवंतिसुंदरी

વંતિસુંદરી સંસ્કૃત ભાષાના પ્રસિદ્ધ કવિ રાજશેખરની સ્ત્રી હતી. પતિપત્નીનું જીવન ભારતવર્ષમાં અભિન્ન હોય છે, એટલે એ વિદુષીનું ચરિત્ર આલેખતાં પહેલાં એના પતિનું વર્ણન કરવું પડે છે.

રાજશેખરે પોતાને યાયાવરીય અર્થાત્‌ યાયાવર ઋષિના કુળમાં ઉત્પન્ન થયેલો કહ્યો છે. કાવ્યમીમાંસામાં જ્યાં જ્યાં એણે પહેલાના આચાર્યોથી જુદા પડીને પોતાનો સ્વતંત્ર અભિપ્રાય દર્શાવ્યો છે, ત્યાં આગળ “इति यायवरीयः। नेति यायवरीयः। આ યાયાવરીનો મત છે, આ યાયાવરીનો મત નથી.” એ પ્રમાણે લખ્યું. એના વડદાદા અકાલ જલદ મહાકવિ હતા. એમનું નામ તો બીજું કાંઈ હતું. પણ એમના એક ચમત્કારી શ્લોકમાં “અકાલ જલદ” શબ્દ આવી જવાથી એજ નામથી એ ઓળખાયા છે. સંસ્કૃતમાં બીજા કેટલાક કવિઓનાં નામ પણ એવી રીતે પડેલાં દીઠામાં આવ્યાં છે. ચેદિ દેશના ભૂષણ, સુરાનંદ, તરલ, કવિરાજ આદિ પ્રસિદ્ધ કવિઓ પણ આ યાયાવર વંશમાંજ ઉત્પન્ન થયા હતા. રાજશેખરના પિતા દુર્દુળ રાજાના મહામંત્રી હતા. તેની માતાનું નામ શીલવતી હતું.

રાજશેખર કનોજના રાજા મહેન્દ્રપાલનો ઉપાધ્યાય હતો અને તેના પુત્ર મહીપાલના સમયમાં પણ એનું સન્માન હતું. પ્રાચીન લેખ ઉપરથી જણાય છે, કે મહેન્દ્રપાલ વિક્રમ સંવત ૯૬૦ માં અને મહીપાલ ૯૭૪ માં વર્તમાન હતા. એજ રાજશેખરનો અને આપણી ચરિત્રનાયિકાનો સમય છે.

રાજશેખરે પહેલાં બાલરામાયણ અને બાલભારતની રચના કરી, ત્યાર પછી વિદ્ધશાલમંજિકા અને કર્પૂરમંજરી નાટક રચ્યાં અને છેવટે કાવ્યમીમાંસા નામનો અપૂર્વ ગ્રંથ રચ્યો.[૧]


  1. ❋ આ ગ્રંથ ગાયકવાડ પ્રાચ્ય પુસ્તકમાલામાં છપાયો છે.
૨૧૧