પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


અવંતિસુંદરીનો જન્મ ચૌહાણ ક્ષત્રિયકુળમાં થયો હતો. એ વખતે પણ બ્રાહ્મણે ક્ષત્રિયની કન્યા સાથે લગ્ન કરવું એ અનોખી વાત નહોતી ગણાતી. એકજ બ્રાહ્મણના બ્રહ્માણીથી થયેલાં સંતાન બ્રાહ્મણ અને ક્ષત્રિય સ્ત્રીથી થયેલાં સંતાન ક્ષત્રિય ગણાયાં હોય એવાં અનેક પ્રમાણ છે.

કર્પૂરમંજરી નાટિકાનો પહેલો ખેલ અવંતિસુંદરીની ઈચ્છાથીજ થયો હતો.

એ ઘણી વિદુષી હતી. કાવ્યશાસ્ત્રમાં એ બહુ સારી રીતે પારંગત હતી. કાવ્યમીમાંસામાં એના પતિએ ત્રણ જગ્યાએ એના અભિપ્રાયને ટાંક્યા છે; જેથી વિદ્વાનો અનુમાન કરે છે કે, એણે કાવ્યશાસ્ત્ર ઉપર કોઈ ગ્રંથ પણ લખ્યો હશે.

કવિતાનો ‘પાક’ શો છે ? વામનના મતવાળા એવું કહે છે કે કવિએ એવાં એવાં પદ ગોઠવવાં જોઈએ કે જે બદલી ન શકાય. એનુંજ નામ શબ્દપાક છે. એ ઉપરથી અવંતિસુંદરીનો અભિપ્રાય છે કે, એ તો અશક્તિ થઈ, પાક નહિ. એક વસ્તુ ઉપર મહાકવિઓના અનેક પાઠ પણ પાકવાન હોઈ શકે છે; એટલા માટે ‘રસોચિત સૂક્તિ’ રસને છાજે એવી રીતે કહેલું સરસ વચનજ પાક છે. ગુણ, અલંકાર, રીત, ઉક્તિ, શબ્દ, અર્થ એને એવા ક્રમથી ગોઠવ્યા હોય કે વિદ્વાનને ગમી જાય તો એજ એના અભિપ્રાય પ્રમાણે વાક્યપાક છે. કહેનાર પણ હોય, શબ્દ પણ હોય, રસ પણ હોય, છતાં એક એવી વસ્તુ બાકી રહી જાય છે કે જેના વગર વાણીમાંથી મધ નથી ટપકતું.

અર્થ ભલે રસનો અનુગુણ હોય કે વિગુણ હોય, કાવ્યમાં કવિ–વચનજ રસ ઉપજાવે છે અથવા બગાડે છે, અર્થ નહિ. પાલ્ય કીર્તિનો મત છે કે વસ્તુનું રૂપ ગમે તેવું જ ન હોય, પણ રસીલાપણું તો કહેનારના હાથમાં છે. જે અર્થને રાગી વખાણશે એનેજ વિરાગી વખોડશે અને મધ્યસ્થ એ બાબતમાં બેપરવા ૨હેશે. અવંતિસુંદરી કહે છે કે વસ્તુના રૂપનો સ્વભાવ નક્કી કરેલો નથી, એ તો વિશ્વના કહેવાના ઢંગ ઉપર આધાર રાખે છે.

એ કહે છે કે ગુણ કે અવગુણ ઉક્તિને વશ છે, વસ્તુસ્વભાવ કવિને કાંઈ કામનો નથી. ચંદ્રમાની સ્તુતિ કરનારો એને “અમૃતાંશુ” કહે છે, અને ધૂર્ત એની નિંદા કરીને “દોષાકર” (રાતને પાડનારો અથવા દોષનો ભંડા૨) કહી નાખે છે.