પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
મયણલ્લદેવી



સિદ્ધિ સારૂ તેણે દેશદેશાંતરના રાજાઓની છબીઓ એકઠી કરી હતી. એ સર્વ રાજાઓની છબીઓમાંથી ગુજરાતના રાજા કર્ણની છબી તેને ઘણી પસંદ પડી ગઈ. રાજા કર્ણનું રૂપ જોઈને કુમારી મયણલ્લદેવી મુગ્ધ થઈ ગઈ અને પરણું તો રાજા કર્ણને જ પરણું એવો સંકલ્પ કર્યો. કોઈની પણ સંમતિ લીધા વગર રાજા કર્ણને એ પોતાનું હૃદય સમર્પણ કરી ચૂકી; પરંતુ હવે પોતાનો મનોભાવ કર્ણને કેવી રીતે પહોંચાડવો ? મયણલ્લદેવી ઘણી ચતુર કન્યા હતી. તેણે એક સુંદર યુક્તિ શોધી કાઢી. તેણે પોતાના એક દૂતને ચિત્રકારના વેશમાં રાજા કર્ણની પાસે મોકલ્યો, એ ચિત્રકાર લાંબો પ્રવાસ કરીને રાજા કર્ણના દરબારમાં જઈ પહાંચ્યો અને વિવેકપુરઃસર રાજાને નમન કરીને બોલ્યો : “મહારાજાધિરાજ ! આપની કીર્તિ ચારે દિશામાં વ્યાપી ગઈ છે. આપની પ્રશંસા પ્રત્યેક મનુષ્યને મોંએ સાંભળ્યામાં આવે છે. આપના દર્શનની અભિલાષા હજારો મનુષ્યો રાખે છે. આ દીન દાસના મનમાં પણ શ્રીમાનનાં દર્શન કરીને કૃતાર્થ થવાની તીવ્ર ઉત્કંઠા હતી. આજે એ ઉત્કંઠા સફળ થઈ તેને માટે પ્રભુનો ઉપકાર માનું છું” એમ કહીને એ ચતુર ચિતારાએ રાજાની સન્મુખ એક સુંદર ચિત્ર મૂક્યું. એ ચિત્રમાં એક રાજાના મોં આગળ લક્ષ્મીને નાચતી ચીતરી હતી અને તેની એક બાજુએ એક કુમારિકાનું ચિત્ર કાઢ્યું હતું. તે સૌંદર્યમાં લક્ષ્મી કરતાં પણ ચડે એવું હતું. રાજાએ એ કુમારિકાના સૌંદર્યની ઘણી પ્રશંસા કરીને પૂછ્યું કે, “એ સુંદરી કયી જાતિની છે અને અને કોની કન્યા છે ?” ચિત્રકારે ઉત્તર આપ્યો “મહારાજ ! એ રાજા જયકેશીની પુત્રી છે. દક્ષિણમાં ચંદ્રપુરી નામના નગરમાં જયકેશી રાજા રાજ્ય કરે છે. તેમની આ કન્યાનું નામ મયણલ્લદેવી છે. તે પૂર્ણ યૌવનને પ્રાપ્ત થઈ છે. રાજાએ તેને વિદ્યા અને સદ્‌ગુણોથી વિભૂષિત કરવામાં જરા પણ ન્યૂનતા રાખી નથી. અનેક રાજાઓ અને રાજકુમારો તેને વરવાની ઈચ્છા રાખે છે, પણ એ કોઈનું માગું સ્વીકારતી નથી. સગાંસંબંધીઓ તેને કોઈ યોગ્ય વર સાથે લગ્ન કરવાને ઉપદેશ આપ્યા કરે છે પણ એ કોઈનું કહ્યું માનતી નથી અને કહે છે કે, ‘મને સર્વ પ્રકારે પસંદ આવે એવા સુંદર, સુશિક્ષિત અને પરાક્રમી પુરુષ સાથે હું લગ્ન કરીશ.’ હમણાં થોડાક દિવસ ઉપ૨ ચંદ્રપુરમાં મારા જેવો