પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૬૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
મયણલ્લદેવી



અને રાજા તેના ઉપર વ્યભિચારનું મિથ્યા આળ ચોંટાડે; એવી આશંકાથી તેણે વિદાય થતી વખતે રાજા કર્ણની પાસેથી સ્મૃતિચિહ્‌ન તરીકે રાજાની આંગળી ઉપરની મુદ્રિકા માગી લીધી. પ્રેમપાશમાં બંધાયેલા રાજા કર્ણે પ્રસન્નતાપૂર્વક એ મુદ્રિકા મયણલ્લદેવીની સુકુમાર અંગુલી પર પહેરાવી દીધી.

રાજા કર્ણ ગમે એટલો તોય સુશીલ મનુષ્ય હતો. કામનો ક્ષણિક આવેશ શમી ગયા પછી તેને પોતાના કૃત્ય માટે ઘણો પશ્ચાત્તાપ થવા લાગ્યો અને એ વ્યભિચારના પાપનું કઠણ પ્રાયશ્ચિત્ત કરવાનો તેણે સંકલ્પ કર્યો. તેણે તપાવેલી સાત પૂતળીઓનો સ્પર્શ કરીને એ ઘોર પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનો નિર્ણય કર્યો. કર્ણ રાજાના પ્રધાન સાન્તૂ મહેતાને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે, “મહારાજ ! આપ જરા પણ શોક કરશો નહિ. વ્યભિચાર દોષથી આપ બિલકુલ મુક્ત છો. આપને મેં ઠગ્યા છે. આપે જે સ્ત્રી સાથે એ રાતે વિલાસ કર્યો હતો તે સ્ત્રી નમુંજલા નટી નહોતી, એ તો મહારાણી મયણલ્લદેવી હતાં.” રાજાને એકદમ એ વાત ઉપર વિશ્વાસ બેઠો નહિ, પરંતુ રાણીએ જ્યારે એ રાત્રીનો બધો વૃત્તાંત સવિસ્તાર કહી સંભળાવ્યો તથા રાજાએ નિશાની તરીકે આપેલી મુદ્રિકા બતાવી ત્યારે રાજા પ્રસન્ન થયો અને એ દિવસથી પ્રેમપૂર્વક રાણી મયણલ્લદેવી સાથે અંતઃપુરમાં રહેવા લાગ્યો.

રાણી મયણલ્લદેવી થોડા સમયમાં સગર્ભા થઈ અને ઝીંઝુવાડા નગરમાં તેણે સિદ્ધરાજ જયસિંહને જન્મ આપ્યો.

સિદ્ધરાજ બાળવયનો હતો એવામાં, ઈ. સ. ૧૦૯૪ માં રાજા કર્ણનો સ્વર્ગવાસ થયો. રાજા કર્ણના મૃત્યુ પછી ગુજરાતની રાજગાદી સંબંધી ઘણી તકરારો ઊભી થઈ હતી, પણ આખરે સિદ્ધરાજ રાજ્યસિંહાસન ઉપર બેસવા ભાગ્યશાળી થયો. સિદ્ધરાજ નાનો હતો એવામાં થોડા સમય સુધી રાજ્યની લગામ કર્ણના મામા મદનપાળના હાથમાં રહી, પણ મહામાત્ય સાન્તૂ મહેતાએ મદનપાળને મારી નખાવ્યા. ત્યાર પછી અણહિલપુરના રાજ્યની બધી સત્તા મયણલ્લદેવીના હાથમાં આવી. રાણી મયણલ્લદેવીએ રાજ્યનો પ્રબંધ ઘણી સારી રીતે કરવા માંડ્યો. યોગ્ય પ્રધાનોને મુખ્ય મુખ્ય કામ ઉપર નીમી દીધા અને પોતે રાજ્ય ઉપર સાધારણ રીતે દેખરેખ રાખવા લાગી. કુમાર સિંદ્ધરાજની