પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૭૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१२३–राणी सालमणि

રાજા ઓરાદતની રાણી હતી. તેણે ભોપાળના કિલ્લાની પાસે એક ઘણું વિશાળ અને સંગીન તીર્થ બંધાવ્યું અને તેનું નામ સભામંડળ રાખ્યું. એ મંદિર વિક્રમ સવંત ૧૨૦૮ માં બંધાવા માંડ્યું હતું અને વિ○ સં○ ૧૨૪૧ માં બનીને તૈયાર થયું હતું. રાણી સાલમણિ ઘણી ધર્માત્મા સ્ત્રી હતી. તેણે ૫૦૦ બ્રાહ્મણને રોજગાર બાંધી આપ્યો, એ બ્રાહ્મણનું કામ ફક્ત પૂજાપાઠ કરીને બેસી રહેવાનું નહોતું. તેઓ ત્યાંની પ્રજાને ધાર્મિક શિક્ષણ પણ આપતા હતા. હજારો વિદ્યાર્થીઓ તેમની પાસે વેદશાસ્ત્ર ભણવા આવતા. એ સમયે ભારતવર્ષમાં રાણી સાલમણિએ સ્થાપેલા એ મંડળની સારી ખ્યાતિ હતી.

१२४–कान्ति

કાન્તિનો જન્મ કર્ણાટક દેશમાં થયો હતો. એ જૈન ધર્મ પાળતી હતી. એ એક ઊંચા પ્રકારની કવયિત્રી હતી. એની કવિતા ઘણી મનોહારી થતી હતી. કાનડી ભાષાના સાહિત્યમાં ઘણુંખરૂં એ પહેલી સ્ત્રી કવિ છે. દેવચંદ્ર કવિના એક લેખ ઉપરથી જણાય છે કે એ સન્નારી છંદ, અલંકાર, કાવ્ય, કોશ અને વ્યાકરણ આદિ અનેક ગ્રંથોના અભ્યાસમાં કુશળ હતી. બાહુબલિ કવિએ એનાં કાવ્યોની બહુ પ્રશંસા કરીને એને એ વખતની સરસ્વતીની પદવી આપી હતી. દ્વાર સમુદ્રના બલ્લા રાજા વિષ્ણુવર્ધનની સભામાં પંપ અને કાન્તિની વચ્ચે વાદવિવાદ થયો હતો. પંપે આપેલી સમશ્યાઓની પૂર્તિ એણે કરી હતી. કાન્તિનો જન્મ ઇ. સ. ૧૧૦૫ માં થયો હતો.

૨૫૫