આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઋતુઓનો દિનપ્રતિદિનનો પરિચય તો એને પોતાનાં ધાન્ય તેમ જ પશુની રક્ષાને કારણે અનિવાર્ય રીતે આવશ્યક હતો. એના લગ્નોત્સવો, ધર્મોત્સવો વગેરે ઘણાખરા ઋતુની અનુકૂલતા પર મુકરર થયા હતા.

જીવનમાં ઋતુઓના રંગો ને રસો જ્યાં આટલા ઓતપ્રોત બની વહેતા હોય ત્યાં ઋતુ-કાવ્યના અંકુરો ફૂટ્યા વિના રહી જ કેમ શકે ? થોડું ધાર્મિક, થોડુંક સામાજિક અને થોડુંક કેવલ રમતભર્યું, એવું પોષી પૂનમનું નાનકડું વ્રત કરતાં કરતાં જ કોણ જાણે ક્યારથી નાની કન્યા ગુંજવા લાગી હશે કે

પોષ મહિનાની પૂનમે રે
અગાસે રાંધ્યાં અન્ન વાલા !
જમશે માની દીકરી રે
પીરસશે બેનીનો વીર વાલા ![ કંકાવટી ભા.૧]

અથવા આષાઢ–શ્રાવણના મેહુલાને સંબોધી ઠપકો આપવા લાગે છે.

આ શી તમારી ટેવ રે હો મેઘરાજા !
પેલી વીજળી રીસાઈ જાય છે !
પેલી બાજરી સૂકઈ જાય છે !
પેલી જારોનાં મૂલ જાય છે !
હો મેઘરાજા ! [ કંકાવટી ભા. ૨]

ઋતુગીતોના પ્રકારો

તે પછી જો આપણે આખું ગ્રામ્ય સાહિત્ય ફોળતા જઈએ તો ઋતુઓના રસપાનનાં આટલા પ્રકારનાં જૂજવાં કાવ્યો આપણને જડી આવશે: