આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ૠતુગીતો
૭૯
 


સાંધશે મારા ઘરડાની નાર મારી બેનડી!
તમે તમારે સાસરે.

પિયરનાં [૧]ઝાડખાં દેખાડો મારા વીરડા !
એણી ઝાડખડે હીંચતાં !

[૨]અતર રે દખણની [૩]વાવળ રે આવી
વાવળે રોળાઈ ગ્યાં ઝાડખાં !

પિયરની વાટડી દેખાડો મારા વીરડા !
એણી વાટડીએ હીંડતાં
એણી વાટડીએ બેસતાં !

અતર દખણના મેહૂલા રે આવ્યા,
મેહૂલે રેળાઈ ગી’ વાટડી !
પાણીડે રોળાઈ ગી’ વાટડી !

મરું[૪] તો સરજું ઉડણ ચરકલી,
જાઈ બેસું રે વીરાને ઓશીસે !
જાઈ બેસું રે વીરાને ટોડલે !

મરું તો સરજું કૂવાનો પથરો,
માથે ધોવે રે વીરડો ધોતિયાં !


  1. ૧. ઝાડવાં
  2. ૨. ઉત્તર દક્ષિણની.
  3. ૩. વાવાઝોડું.
  4. ૪ સરખાવો ગુર્જર ગીતની [રઢિયાળી રાત ભા. ૩ મહેમાન] પંક્તિઓ :

    જો રે સરજી હોત ચરકલડી
    મારા વીરને ભાલે બેસી જાત જો !
    જો રે સરજી હોત વાદળડી
    મારા વીરને છાંયો કરતી જાત જો!