આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આષાઢે અંદ્ર ઘણા વરસે,
નદી નાળાં છલોછલ ઊભરશે.
વા’લો મારો કેમ કરી ઊભરશે!
આવો હરિ રાસ રમો વા’લા!
[ રઢિયાળી રાત : ૩ ]

અથવા

ભાદરવો ભલ ગાજિયો ને ગાજ્યા વરસે મેહ
હું રે ભીંજાઉં ઘરઆંગણે ને મારા પિયુ ભીંજાય પરદેશ
કે આણાં મોકલને મોરાર!
[ રઢિયાળી રાત : ૩]

એવી ટૂકો આપણને બીજી ઋતુઓનાં વર્ણનમાં ભાગ્યે જ સાંપડશે. ચારણી ભાષાના મરશિયા પણ ઘણે ભાગે અષાઢ માસથી જ આરંભાય છે. આમ ઋતુગીતોના લોક-સાહિત્યમાં ચોમાસું અગ્રપદે હોવાનું કારણ શું ?

થોડુંક કારણ સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિમાંથી જડે છે. સૌરાષ્ટ્ર દેશ કાશ્મીર અથવા બંગાળ શો હરિયાળો ને નીરભર્યો નથી. આંહી, અખંડ વહેનવાળી મોટી નદીઓ નથી, કુંજનિકુંજો નથી, હિલોળા મારતાં સરોવરો નથી. આ તો પાંખાં પાંખાં ઝાડપાંદ અને આછાંઆછાં ઘાસચારાની પહાડી ભોમ છે. અહીં વસંતે કોળનારી ને નવ પલ્લવિત બનનારી વનશ્રી નથી. ગ્રીષ્મમાં શીળા મધુરા વાયરા ઢોળનારી લકુંબ ઝકુંબ વનસ્પતિ કોઈ કોઈ સ્થળ સિવાય ક્યાં યે નથી. ઊભા ઊભા નિર્જળા ડુંગરા તપે અને સપાટ મેદાનો ઉપર ઝાંઝવાં સળગે. ભૂમિ વસવા લાયક બને છે કેવળ ચાતુર્માસમાં. ચોમાસું સૌંદર્ય અને સંપત્તિ બન્ને નિપજાવે. ગોવાળીઆનાં ગૌચરણ ને ખેડૂતોનાં કણ ચોમાસે જ નીપજે. ખેતરોના ને ડુંગરાના વન-કિલ્લોલ ચોમાસે જ જામે.બપૈયા