આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઋતુ-ગીતો
 


[ હે સાહેલી ! શા માટે તારું અંતર ઉદાસ છે ? એટલા માટે કે આસો માસ આવ્યો છતાં અલબેલો અહીં ન આવ્યો.

એમ આસો આવ્યો. હવે કેમ કરવું ? હે શ્યામ ! પ્રીતિ તો પાળવી ઘટે. રખે ઓચિંતા એ કદાચ આવી ચડે, તેથી મને નિદ્રા નથી આવતી. મન માવા (કૃષ્ણ) પર મોહ્યું છે. નયનમાં પાણીની ધારા ઝરે છે. સ્વપ્નમાં શ્યામ સાંભરે છે.....]

કાર્તિક

શું કરવા સાહેલડી, અંતર હોય ઉદાસ ?
રાધા કહે સુણ ગોપિકા ! કહીએ કારતક માસ.

કારતક્ક માસે, તોરી આશે, મનં [૧]સાસે [૨]માવજી !
જરૂર જોતી, રૂદે રોતી, લાલ ગોતી લાવ જી !
બુધવંત બાઈ, સેણ સાંઈ, કહે કાંઈ કાનને !
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને,
જી ! કહે રાધા કાનને.

[ કાર્તિકમાં હૃદય તમારી આશાએ જ શ્વાસ લે છે હે માવાજી ! રાહ જોતી જોતી રાધા હૃદયમાં રોવે છે. કોઈ સખી જઈને લાલને (પતિને) શોધી લાવો ! એ બુદ્ધિવંત બાઈઓ ! કાનને જઈને કંઈક તો કહો !......]

માગશર

સંભારું દાડી શામને, થિર નહિ મન થાય;
વ્રજવાસી ! આવો વળી, મગશર મહિના માય.

માગશરે માધા ! મન બાધા, જુવે રાધા જાળીએ,

ઘર ગોપ ઘેલી, બાળા બેલી ! પ્રીત પે’લી પાળીએ !

  1. શ્વાસ લે છે.
  2. કૃષ્ણનું નામ.