આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ઋતુ-ગીતો
 


રમાડીને હે પિયુ, પ્યાસ છિપાવો ! આકાશથી ઓ પ્રિયતમ, આષાઢી મેઘની ધારાઓ ઝરે છે, પણ અમારાં તરુણીઓનાં અંગ તો વિરહની વેદનાથી તપી રહ્યાં છે. વિરહિણી ગોપીઓનાં નેત્રોમાંથી વારિ (અશ્રુ) વહે છે, વિરહનાં ગીત ગવાય છે. રાધાજી કહાવે છે કે ઓ માધવ ! સ્નેહથી બંધાયેલા ઓ સ્વામી ! વૃંદાવને આવો ! એ જી ! આવો! ]

શ્રાવણ

ઓધવ આકળે જી છે કે મનહર નો મળ્યે;
ગોપી ચખ ગળે જી કે શ્રાવણ સલ્લળે.

સલ્લળે જ્યમ જ્યમ મેહ શ્રાવણ, અબળ ત્યમ ત્યમ આકળે,
[૧]બાપયા પ્રઘળા શબદ બોલે, જિયા પિયુ વણ નીંઝળે;
મજ મોર કોકિલ શેાર મંડે, નીંદ્ર સેજે નાવણાં,
આખંત રાધા, નેહ બાધા ! વ્રજજ માધા આવણાં !
જી ! વ્રજજ માધા આવણાં !

[ હે ઓધવ ! કૃષ્ણને કહેજો કે પ્રિયતમ ન મળવાથી અકળાઉં છું. ગોપીઓનાં ચક્ષુ આંસુડે ગળે છે. અને હવે તો આ શ્રાવણ વરસવા લાગ્યો.

જેમ જેમ શ્રાવણનો મેહ વરસે છે, તેમ તેમ અમે અબળાઓ અકળાઈએ છીએ. અનેક બપૈયાઓ પિયુ પિયુ પુકારે છે, તેમ તેમ પિયુ વગર અમારો જીવ સળગી ઊઠે છે. મોરલાઓ અને કોકિલાઓ મીઠા શોર કરી રહ્યાં છે એ સાંભળી સાંભળીને સેજમાં (પથારીમાં) મને નીંદ નથી આવતી. માધવ ! રાધા કહાવે છે કે હવે તો

વૃંદાવન આવો, જી આવો ! ]


  1. બપૈયા.