આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આંબે મોર બેઠા છે, અને કોયલને ગળે ગાન પણ ફૂટવા લાગ્યાં છે. હવે આખો ઉનાળો કોયલ કુહુ કુહુ કુહુ કુહુ કર્યા કરશે. હમણાં પાછું ટુકટુક જરા સંતાઈ ગયું છે; એનો અવાજ આવતો નથી. હમણાં હવા પાછી ઠંડી થઈ ગઈ છે એ એનું કારણ છે. ટુકટુકને ઉનાળો પ્રિય.

વળી જુઓ પેલો ખાખરો જોયો ? ખાખરો એટલે કેસૂડો. ખાખરાને બંગાળીમાં પલાશ કહે છે. જુઓ છો એનાં ફૂલો ? દૂરથી કેવાં સુંદર લાગે છે ? એક કવિએ એને વનની અગ્નિજ્વાળા કહેલ છે. સાચે જ એ કેવાં લાલચોળ છે ! અગ્નિની જ્વાળા જેવાં ? આ કેસૂડાંને લોકો સૂકવે છે. એનું કેસરી લાલ પાણી કરી લોકો હુતાશનીમાં સામસામે ઉડાડે છે. કેસૂડાનું પાણી બહુ સુંદર દેખાય છે. ઉનાળાની જ્યારે લૂ વાશે ત્યારે નાનાં બાળકોને એની માતાઓ કેસૂડાંના પાણીએ નવડાવશે.

હવે તમે નજરે જોઈ શકો છો કે લોકોએ શાલ-દુશાલા બાજુએ મૂક્યા છે; ગરમ બંડીઓ અને ગરમ ફરાકો હવે થોડાં દેખાય છે. હવે તમે પણ ગરમ કપડાં પહેરવાનું છોડી દીધું હશે, અને હવે શગડીએ તાપતાં પણ નહિ હો.

તમે જરા ધ્યાન રાખી પવનની લહરીઓને અનુભવજો. હવે સૂસવતા વાયરા નથી વાતા; હવે હળવી હળવી જરા જરા મીઠી મંદ પવનની લહરી આવવા લાગી છે. થોડે દહાડે આ લહરીઓમાં ખૂબ મીઠાશ આવશે. પછી ઉનાળો જામશે ને પછી લૂ પણ વાશે; પણ એને હજી વાર છે.

વળી આ આંબે મોર પણ બેઠો દેખાય છે. હજી જોકે શરૂઆત છે, પણ એ ઊતરતો શિયાળો ને બેસતી વસંત બતાવે છે. હવે કોયલ આસ્તેથી ટહુકવા લાગી છે, ખરું ?

હવે લોકોનું ધમધમ કામ કરવાનું જોર નરમ પડશે. હવે કામ કરતાં થાક લાગશે અને બગાસાં આવશે. હવે દિવસ ટૂંકો મટી લાંબો થવા લાગ્યો છે. જુઓ ને, પહેલાં તો પાંચ સાડાપાંચે અંધારું થઈ જતું; હવે તો ૬-૩૦ સુધી દિવસ રહે છે અને સાત સુધી અજવાળું રહે છે. સૂરજ ઊગે છે પણ વહેલો. એમ છે, સમજ્યાં ? હવે શિયાળો જવા લાગ્યો છે ને ઉનાળો આવવા લાગ્યો છે. પણ હજી પૂરા ઉનાળાને વાર છે. હજી માટલાનાં પાણી વગર