આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઋતુના રંગ : ૬ :


ભાવનગર.

તા. ૨૫ - ૨ - ૩૬

વહાલાં બાળકો !

હવે મારાથી એમ નહિ કહી શકાય કે અત્યારે કડકડતો શિયાળો છે. હવે વસંત અને પાનખર ભેળાં ભેળાં ડગલાં માંડવા લાગ્યાં છે. પાનખર લીમડાનાં, પીંપરનાં, બૂચનાં અને ઉમરાનાં પાંદડાં ખેરી રહી છે; વસંતે કુમળાં કુમળાં પાંદડાં લીમડા ઉપર અને ઊમરા ઉપર આણી દીધાં છે. સૂર્યના તાપમાં લીમડાની ટસરો ચળકે છે ત્યારે સુંદર લાગે છે. થોડા વખતમાં લીમડાનાં બધાંય પાન ખરી જશે, અને આખો લીમડો નવે પાન આવશે. પછી લીમડો ઉનાળાની ઊની હવામાં યે લીલી લીલી લહેરો લેશે.

જુઓ, હવે પાકો ઉનાળો જરા દૂરદૂરથી દેખાવા લાગ્યો છે. મોગરો ઉનાળે મહેકી ઊઠશે. અત્યાર સુધી એ જાણે કે સૂતો હતો. જેમ શેળો, દેડકાં, વગેરે જનાવરો શિયાળો આખો ઊંઘે છે એમ મોગરો પણ ઊંઘતો હશે એમ લાગે છે. પાણી પાનારા પાણી પાઈ પાઈ મોગરાનો ક્યારો ભીનો ને ભીનો રાખતા; પણ આખા શિયાળામાં મોગરાએ પાંદડાં અને ડાળીઓ કાઢી જ નહિ. આ અઠવાડિયે તેણે નવાં પાન કાઢવા માંડ્યાં છે. હવે થોડા વખતમાં તે પાંદડાંથી ઢંકાશે, અને પછી પાંદડે પાંદડે કળીઓ બેસશે.

વસંતની શરુઆત થઈ છે એટલે ઝીણી ઝીણી પાંખાળી જીવાત પણ થઈ છે; હવે પતંગિયાં પણ થશે. આ હવામાં ઊડતી જીવાત ખાવાને નાના નીલકંઠો ઠીક દેખાય છે. જરાક ઊભા રહીને જોઈએ તો તરત ખબર પડે કે નાના નીલકંઠો ઊડી ઊડીને હવામાંથી કંઈક પકડે છે.

હવે સાપો નીકળવા માંડશે, શેળા પણ નીકળશે. અત્યાર સુધી તેઓ દરમાં ભરાઈને સૂતા હતા. શિયાળામાં સાપ, શેળાઓ અને એવાં બીજાંઓ દરમાં પેસીને નિરાંતે ઊંઘે છે. ટાઢ વાતી હશે એટલે બહાર જ ન નીકળે. હવે જરા ગરમી થવા લાગી છે એટલે શિકાર