આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવા નીકળશે. ભારે ખૂબીની વાત છે કે આ જીવો શિયાળામાં ખાધાપીધા વિના કેટલો ય વખત સૂઈ રહે છે. અલબત્ત, તેઓ જરા જરા પાતળા તો પડે છે જ.

હવે આઠદસ દહાડામાં હુતાશની આવશે. હુતાશની એટલે હોળી. હોળી તાપીને ટાઢ છેવટની જશે. મને લાગે છે કે હજી થોડીક ટાઢ પડશે. ગામડામાં તો અત્યારથી છોકરાઓ છાણાંલાકડાં શોધવા માંડ્યા હશે. પણ હમણાં હોળી વિષે વધારે નહિ લખું; એને એક વાર આવવા દ્યો.

શિયાળુ-ઉનાળુ વિલાયતી ફૂલોમાં સોનસળીનાં ફૂલો હમણાં સરસ ઊઘડે છે. ફૂલદાનીની અને બાગની એ શોભા છે. તગરને કૂંપળો ફૂટવા લાગી છે; એકબે એકબે ફૂલો પણ આવે છે. ગુલાબ હજી એવો ને એવો લાલ ને સુગંધી ઊઘડે છે. હવે ધીમે ધીમે જૂઈ જામશે.

મધમાખીઓ તો બારે માસ જાણે કામમાં છે. અત્યારે પણ જ્યાં ત્યાંથી ફૂલો શોધે છે, અને તેમાંથી મધ ખાય છે અને મધપૂડો પણ બનાવે છે. મધમાખીઓએ હમણાં જ એક બાલદીમાં નાનો મધપૂડો બનાવ્યો હતો.

હવે પૂરેપૂરાં કાળાંબોજ રીંગણાં ઊલળી જશે. ગામડાનાં શાકો ઓછાં થશે અને ઉનાળે તો મળશે જ નહિ. શહેરમાં તો ઠીક છે, જે તે મળ્યા જ કરે છે.

વારુ ત્યારે; આજે જરા ઉતાવળ છે એટલે વિશેષ હવે પછી.

લિ. તમારા

ગિજુભાઈના આશીર્વાદ