આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઋતુના રંગ : ૬ :


ભાવનગર.

તા. ૪-૩-૩૬

વહાલાં બાળકો !

કાં, હમણાં ઉનાળો છે કે શિયાળો ? મેં નહોતું કહ્યું કે ટાઢ પૂછડું પછાડીને જશે, હોળી તાપીને જશે ? જુઓ ટાઢ ફરી આવી કે નહિ ? આજકાલ કેવો ઠંડો પવન વાય છે ? જાણે શિયાળો ફરી વાર જોરમાં આવ્યો. પણ હવે આવું વધારે વખત નહિ રહે. આ ઝપાટો છેલ્લો છે.

હવે પેલો ખાખરો ખૂબ ખીલ્યો છે. આજે તો કેસૂડાની બે ડાળીઓ બાલમંદિરમાં આણી છે, અને તેને એક ઘડામાં મૂકી સુંદર ફૂલદાન બનાવ્યું છે. જોયો આ કેસૂડાનાં ફૂલોનો રંગ ? કેવો મજાનો કેસરી લાલચટક છે ! ફૂલોનો આકાર પોપટની ચાંચ જેવો છે એ તમે જોયું છે ? તમે સહુ જ્યાં હો ત્યાં ઉનાળે કેસૂડાંને સંભારજો. એને ખાખરાનાં ફૂલો કહેશો તોપણ ચાલશે. ખાખરાનું બીજું નામ પલાશ છે.

હમણાં ભૂરવા વાય છે. ઘ‌ઉં ડૂંડીએ આવી ગયા પછી દાણો સૂકવી નાખવા માટે ભૂરવા કામનો છે. કુદરત ગણ કેવી છે ? જ્યારે જેવા તડકા, હવા, પાણી જોઈએ ત્યારે તેવાં મોકલી આપે. આ ભૂરવા કડક છે. જમીન બધી સુકાઈ જાય અને તેમાં તડિયાં પડે; ઝાડને ગમે તેટલું પાણી પાઈએ તોપણ તેને જાણે પાણી નથી પાયું તેવું દેખાય. અને આપણી ચામડી પણ સૂકી પડી જાય છે. આ ભૂરવા બરાબર વાશે એટલે પાનખર શરૂ. તડતડ ઝાડ ઉપરથી પાંદડાં પડવા જ માંડશે. સડકો ઉપર, બાગમાં જ્યાં ત્યાં સૂકાં પાંદડાં ખરવા લાગશે અને બીજી બાજુથી નવાં પાંદડાં ડોકિયાં કરશે. આપણામાં એક નાની એવી બે લીટીની કહેવત અથવા કવિતા છે :