આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે ગરમી વધી ને ગામમાં આઈસ્ક્રીમના સંચા વધારે ચાલવા માંડ્યા. આજે બાલમંદિરમાં આઈસ્ક્રીમ છે. તમને બાળકોને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, ખરું ? તમને આઈસ્ક્રીમ તો ભાવે છે, પણ બરફ પણ બહુ ભાવે છે. ગાંગડેગાંગડા ખાઈ જાઓ છો. કરડ કરડ ખાતી વખતે તમારા દાંત નથી દુઃખતા ?

હવે ઉનાળો આવ્યો એટલે શરબત, આઈસ્ક્રીમ, કોલ્ડડ્રિંક, કુલ્ફીમલાઇ ને એવું એવું બધાં ખાશે. લોકોને પણ સુખ છે ? શિયાળામાં પાક ખાવો, ઉનાળામાં ઠંડા મજાનાં પીણાં પીવાં, શીખંડ ખાવો ને મજા કરવી. આખો દિવસ ધંધોપાણી કરવો તે ખાવા જ માટે, કેમ જાણે !

કેટલાક શોખીન હવે પોતાના ગોળામાં કે કુંજામાં વાળો નાખશે. કેટલાક વળી વાળાની ટટ્ટી બારી આગળ બાંધશે, અને ઉપર પાણી છાંટી હવા ખાશે. કેટલાક માથે ભીનું કપડું મૂકશે અને આંટા મારશે, અને કેટલાક માથે કાળી માટી બાંધશે. ઉનાળો ચાલ્યો આવે છે. એના છડીદારો ચારેકોરથી એની ખબરો ક્યારના યે આપી રહ્યા છે. લીમડાને કોર બેઠો છે; કેરડાને ફૂલો આવ્યાં; આંબે મોર આવ્યો, નદીતળાવનાં જળ તપવા લાગ્યાં. આ બધાં ઉનાળાનાં વાજાં છે. ભલે આવે ઉનાળો; એનું યે કામ છે.

હમણાં તો સક્કરખોરાએ કાંઈ રૂપ કાઢ્યું છે ! જાણે વર પરણવા ચાલ્યો. અને વાત પણ બરાબર છે. હવે આ ઉનાળામાં જ પક્ષીઓ રૂપાળાં થશે. ગાણાં ગાશે, ઇંડાં મૂકશે અને ચોમાસું આવશે ત્યાં તો નાનાં નાનાં બચ્ચાંનાં માબાપ થઈ જશે. સક્કરખોરાએ સડક ઉપર જાળીમાં રોપેલી પીંપરનાં પાંદડાંમાં પોતાનો માળો બાંધવાનું શરૂ કર્યું છે. નાનાં નાનાં ઝીણાં સુંવાંળાં પીછાં, દોરા, સૂતળી ને એવું એવું ભેળું થઈ ગયું છે. અરધો પોણો માળો પણ તૈયાર થઈ ગયો છે. ટ્‌વી....ટ્‌વી કરતો દરજીડો કાં તો આજકાલમાં લારમમાં કે કાં તો મોગરામાં માળો બાંધશે. દરજીડો એટલે દરજીડો; દરજી પેઠે એ પાંદડાં ભેગાં કરીને એ સાંધશે અને એનો નાનો એવો પડિયો બનાવશે; પછી એમાં પોતાનો માળો ગોઠવશે. દરેક પક્ષીનો માળો જુદી જુદી જાતનો હોય છે અને તેને બનાવવાની રીત પણ જુદી હોય છે અને તેને બનાવવાનાં સાધનો પણ જુદાં હોય છે. કાગડાનો માળો જોશો તો એમાંથી લોઢાના વાળા ને જાડાં લાકડાં નીકળશે; કબૂતરના માળાનું બરાબર ઠેકાણું જ નહિ; હોલીનો માળો જોશો તો તેમાં લીમડાની સળીઓ, નાળિયેરનાં છોલાં ને એવા ડૂચાકૂચા નીકળશે. સુગરીનો માળો જોઈને તો તમે અચંબો જ પામશો. ઘાસના તરણામાંથી એવો સુંદર બનાવ્યો હોય છે કે બસ ! આ ઋતુમાં લગભગ બધાં પક્ષીઓ માળા બાંધે છેઃ કોઈ જમીન પર, કોઈ રેતીમાં, કોઈ ભીંતમાં, કોઈ ઝાડની ટોચે, કોઈ બારીમાં, કોઈ કૂવામાં, કોઈ બાવળે તો કોઈ થોરમાં; એમ જ્યાં સારી સગવડ મળશે ત્યાં