આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સહુ માળા બાંધશે. પોતાના દુશ્મનોથી બચવા માટે માળો એવી જગ્યાએ બાંધશે કે ત્યાં દુશ્મન ઝટ આવી શકશે નહિ. સુગરી બાવળના ઝાડે લટકતા માળા બાંધે છે; આપણે લેવા હોય તો ભારે મુશ્કેલી પડે. આપણા કમ્પાઉન્ડમાં પેલી હોલીએ થોરની વાડમાં પોતાનો માળો બાંધ્યો છે. થોરના કાંટામાં હાથ નાખવો કે કોઈ બીજા પક્ષીએ પેસવું સહેલું પડે એમ નથી. પક્ષીમાં પણ કુદરતી અક્કલ હોય છે.

બે પાંચ દહાડામાં ચૈત્ર મહિનો બેસશે. દક્ષિણમાં તો ચૈત્ર માસથી નવું વર્ષ શરૂ થાય છે. ચૈત્ર સુદિ એકમને ગુડી પડવો કહે છે. આપણા લોકોમાં પણ એનો મહિમા તો છે જ. તે દિવસે લોકો લીમડાનો કોર લાવશે, અને મીઠા સાથે મેળવીને ખાશે ને ખવરાવશે. તમને ખબર છે, લીમડાનો કોર બહુ ગુણકારી છે; છે કડવો પણ રોગને હાંકી કાઢે તેવો છે.

હજી કોર બેસતો આવે છે. પણ જયારે લીમડા કોરે ખીલી ઊઠશે ત્યારે રાતે એની સોડમ એવી તો મીઠી આવશે કે બસ. ગામડું આખું એ સોડમથી ધમકી ઊઠશે. લીમડાનો ટાઢો છાંયો, લીમડાના કોરની મીઠી સોડમ, ઠંડું પાણી અને કોયલનો ટહુકો : આ બધું ઉનાળાની વગર પૈસાની ઉજાણી છે.

હવે ઝાંઝવાનાં જળ દેખાશે. એ માટે ખરે બપોરે ગામ બહાર ખેતરોમાં જવું. દૂર દૂર જાણે સરોવર ભર્યું છે અને પાણી ડેકાં દે છે, એવું લાગશે. એમાં ઝાડના પડછાયા દેખાશે; પણ ખરી રીતે ત્યાં કાંઈ નહિ હોય. ઉનાળામાં સીમમાં ઝાંઝવાનાં જળ જોવાની મઝા આવે. કોઈ વાર ભાલમાં મુસાફરીએ જાઓ તો રસ્તામાં ધ્યાન રાખજો. એ ઉપરથી તો આપણામાં 'ઝાંઝવાનાં જળ જેવું' એવી કહેવત પડી છે. આવાં ખોટાં જળ જોઈને તરસ્યાં હરણો દોડાદોડ કરી મૂકે છે; જેમ દોડે છે તેમ ખોટાં જળ દૂર ને દૂર જ લાગે છે. આખરે બિચારાં થાકીને પડી જાય છે ! ઝાંઝવાનાં જળ એટલાં જૂઠાં જળ.

ઉનાળો આવવા દ્યો; આવું બધું કેટલું ય જોવા મળશે.

વારુ ત્યારે, હવે સલામ.

લિ. તમારા

ગિજુભાઈના આશીર્વાદ