આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉનાળો ખીલવા લાગ્યો છે અને એની સાથે બ્રાહ્મણી મેનાના, કાબરના, કોયલના, કાળાકોશીના અને પક્ષી માત્રના કંઠ ખૂલી ગયા છે. પક્ષીના નરો ગાવા લાગ્યા છે ને નાચવા લાગ્યા છે; પક્ષીઓની માદાઓ નાચ અને ગાન જોવા અને ઝીલવા લાગી છે. નર માદાને રીઝવે છે; માદા માળો કરવા ને ઇંડાં મૂકવા રિઝાય છે.

ચકલો ને ચકલી, હોલો ને હોલી, સક્કરખોરો ને સક્કરખોરી, બધાં પક્ષીઓ બબેની જોડી થઈ ગયાં છે ને માળો બાંધવા મંડી પડ્યાં છે. કેટલાંકે તો માળા પૂરા પણ કરી દીધા છે. કોઈ કોઈને માળે બચ્ચાં પણ થઈ ગયાં છે અને બચ્ચાની મા અને બાપ બચ્ચાંને ભાતભાતની ઈયળો ને બીજુંત્રીજું ખવરાવી રહ્યાં છે.

આ આપણા જ આંગણામાં હોલીનું બચ્ચું યે થઈ ગયું; એના માળામાં એક ઇંડું પડેલું છે. એને એણે સેવ્યું લાગતું નથી. હું એને ઉપાડી લાવી સંગ્રહસ્થાનમાં મૂકવાનો વિચાર કરું છું. ગોપાળભાઈવાળી સડકે, સડકની બાજુએ પથરાઓ છે તેની વચ્ચે મૂઠી જાય એટલો ખાડો કે કાણું છે; એમાં દેવચકલીએ ઇંડાં મૂક્યાં હશે. ક્યારે મૂક્યાં એની ખબર મને નથી રહી; પરમ દિવસે બચુભાઈએ મને એ જગ્યા બતાવી. દૂરબીનથી મેં એનો માળો જોયો. ખાડામાં ઘાસ છે અને તેની ઉપર ઝાડનાં કૂણાં મૂળ, રેસાઓ, ઊન, વાળ, રૂ ને એવું એવું પાથરેલું છે. દેવચકલીના માળામાં એવું જ હોય છે. કોઈ વાર એ ક્યાંકથી સાપની કાંચળી પણ ઉપાડી લાવે છે. સુંવાળી મજાની સાપની કાંચળી ! પણ એના બચ્ચાને હૂંફાળું ઘર અને પથારી જોઈએ ના ? એ કાંઈ કાગડા જેવી ખડતલ નથી લાગતી. કાગડાના માળામાં તો લોઢાના સળિયા ને લાકડાનાં ડાંખળાં ને એવું એવું હોય; ને પાથરણા માટે બહુ બહુ તો નારિયેળનાં છાલાં ને એવું હોય.

આ દેવચકલીના સુંદર માળામાં મેં દૂરબીનથી એક બચ્ચું જોયું. સડકની ઊભી બાજુના કાણામાં એટલું બધું અજવાળું નથી, તો પણ બચ્ચું દેખાતું હતું. બચ્ચું મોઢું ફાડીને બેઠું હતું; તેનું મોં અંદરથી લાલ લાલ હતું. દેવચકલો ને દેવચકલી ક્યાંઇક ખાવાનું શોધવા ગયાં હતાં. હું થોડી વાર થોભ્યો ત્યાં તો ક્યાંકથી ઊડતી દેવચકલી આવી ને બચ્ચાના મોઢામાં કાંઈક મૂકી ગઈ; એકાદ બે જીવડાં કે ઇયળ હશે. પછી તો સાંજ પડી એટલે દેખાતું બંધ થયું, અને દેવચકલી માળામાં જઈને બચ્ચા સાથે બેસી ગઈ.