આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળી બાજુમાં જ એક પીંપર છે; એની ફરતું પાંજરું છે. પીંપર હજી નાની છે, એને ઉછેરીને મોટી કરવા ફરતું પાંજરું મૂકેલું છે. આ પીંપરની એક ડાળી ઉપર એક માળો લટકે છે. પક્ષીઓની કાંઈ ખૂબી છે ! કાગડો ઊંચા ઝાડની ઊંચી ડાળે માળો બાંધે; હોલી કાં તો થોરના કાંટાની વચ્ચે, કાં તો મેંદી વચ્ચે ને એવે ઠેકાણે માળો બાંધે; ચકલીબાઈ તો જ્યાં આવે ત્યાં માળો બાંધે; છબી પાછળ, ગોખલામાં, કબાટ ઉપર, ઘરની ભીંતે કાણામાં ને ખાડામાં ! કબૂતર પણ એમ જ કૂવામાં, મસીદમાં ને એવે ઠેકાણે બાંધે. નાનો નીલકંઠ ભીંતોમાં એક-દોઢ ફૂટના પોતે કરેલા દરમાં, ટુકટુક વળી પોતે જ લાકડાના થાંભલામાં કોરેલા ઊંડા ઊંડા કાણામાં, દેવચકલી વળી જમીનમાં, દીવાલમાં, મકાનમાં અથવા જ્યાં કાણાં હોય ત્યાં, દરજીડો વળી નામ પ્રમાણે ગુણવાળો ચાંચે ચાંચે બે પાંદડાં સીવીને ખોઈ જેવું બનાવીને તેમાં, અને સક્કરખોરો વળી કોઈ ઝાડની ડાળે લટકતો પોતાનો માળો બાંધે છે. સુગરી પોતાનો માળો ક્યાં બાંધે છે એ તો તમે જાણતા હશો. પક્ષીઓ પણ માણસોની જેમ જુદે જુદે ઠેકાણે ને જાતજાતની રીતે ને જાતજાતનાં સાધનો વડે પોતાના બંગલા બાંધે છે.

તે સાંજે અમે સક્કરખોરાનો પીંપરની ડાળે લટકતો માળો જોયો. માળો અસલ જમરૂખના આકારનો છે, એટલે કે લંબગોળાકાર છે. નાની એવી કોથળી કાંઈક ભરીને લટકાવી હોય એમ આપણને દૂરથી લાગે. આ માળો શાનો બનાવ્યો હશે ? એને વીંખીને તપાસીએ તો ખબર પડે. પણ એમાં તો બચ્ચું હતું એટલે કેમ વીંખાય ? પણ મને ખબર છે કે સક્કરખોરા શાનો માળો બનાવે છે. એ લોકો પોતાનો માળો વાળ, ઝીણું કૂણું ઘાસ, પાતળી નાની ઝાડની સળીઓ, સૂકાં પાંદડાં, રૂ, છાલના કકડા, ફોતરાં અને ચીંથરાંનો બનાવે છે. આ માળો તો સીધો ડાળી ઉપર જ ચોંટાડેલો હતો. કોઈ કોઈ માળા ડાળી ઉપર એક નાની એવી દોરડીથી લટકતા હોય છે. એ દોરડી ઉપર કહ્યાં તેવાં ચીંથરા-બીંથરાની જ બનાવેલી હોય છે. પક્ષીઓના અભ્યાસીઓ કહે છે કે સક્કરખોરા આ બધું કરોળિયાનાં પડોથી ચોંટાડે છે, એટલે બધું ચોંટેલું અને ભેળું રહે છે.

મેં દૂરબીનથી જોયું તો માળામાં એક નાનું એવું બચ્ચું હતું. પણ આવી કોથળીમાં રહેતું બચ્ચું શી રીતે ઓળખાયું હશે, કહો જોઈએ ? જુઓ, એ માળાની એક બાજુએ અંગૂઠાની જાડાઈ જેટલું એક ગોળ કાણું હતું : જેમ કોઠીને કાણું હોય છે એમ. એ કાણાના મોં આગળ એક બચ્ચું બેઠું હતું, અને એ પણ માની અને ખાવાનાની રાહ મોં ફાડીને જોતું હતું. નાના બચ્ચાને બીજું કામ શું ? ખાવું ને ઊંઘવું. નાનાં બાળકોને જ્યારે ભૂખ લાગે