આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યારે ઉંવાઉં ઉંવાઉં કરીને રડે છે, તેમ જ આ બચ્ચાને ભૂખ લાગે ત્યારે ચીં ચીં કરી ચિચિયારી કરી મૂકે છે.

હું માળો જોતો હતો ત્યાં સક્કરખોરી આવી ને ખાવાનું લાવી. માળાની બહારની કોરે પગ ભરાવી લટકી રહી ને બચ્ચાને ખવરાવ્યું. પછી તો તે હળવેથી અંદર ગઈ ને નિરાંતે બેઠી. સાંજ પડવા આવી હતી એટલે માદીકરાને ઊંઘવું હશે !

એક ભીંતમાં બેચાર દરો છે, ને એમાં નાના નીલકંઠનાં ઇંડાં લાગે છે. પણ એ તો ભીંત ખોદીએ અને એનાં ઘર પાડી નાખીએ ત્યારે થાય. એમ એનાં ઇંડાં જોવા માટે એનાં ઘરનાં ઘર કોણ ભાંગે ?

હમણાં ઇંડાં મૂકવાની અને બચ્ચાં ઉછેરવાની ઋતુ છે. પક્ષીઓ બધાં બહુ કામમાં છે, ત્યારે ભેંસોને ગારામાં કે પાણીમાં પડી રહેવું બહુ ગમે છે. ગધેડાને એકાદ વંડીના છાંયામાં ઊભા ઊભા ભૂંકવું ગમે છે, ને માણસોને ગરમી ગરમી કહીને હાથે કરીને હેરાન થવું ગમે છે. પણ માણસોની વાત ન્યારી છે.

ગમે તેમ હોય પણ ઉનાળામાં હાથપગ ન ફાટે, મેલ ન ચડે, ટાઢથી ધ્રૂજવાનું નહિ. વળી ઉનાળામાં આઇસ્ક્રીમ ખાવાની મજા ! વળી મોટા મોટા માણસોને તો ફુવારાના પાણીની ઊડતી ઝણમાં બેઠાં બેઠાં સાંજની હવા ખાવાની પણ મજા ! ઉનાળો ગરીબનો કહેવાય છે તે ખરું ! રાત્રે ગરીબને ટાઢે મરવાનું નહિ !

હવે સખત ઉનાળે મચ્છરો મરવા માંડશે અને માંકડોને લોકો તડકે એની મેળે ખાટલામાં ને ખાટલામાં મરવા દેશે; કેટલાક ખાટલા ખંખેરીને માંકડોને હેઠા પાડી તપેલી જમીનમાં ચડચડવા દેશે. ઝીણાં જીવડાંફીવડાં બધાં આ ગરમીમાં શેકાઈને સ્વધામ પહોંચી જવાનાં !

બીજી બાજુએ પેલા સૂતેલા જીવો સાપ, શેળો, દેડકાં ભેગાં થયાં છે; ને તેમનામાં જગા માટે તકરાર ન થાય તે માટે હિરોન બગલો સવારનો નાસ્તો લેવા કૂંડીએ આવ્યો છે. મચ્છીમાર પણ હમણાં તો લહેરમાં રહે છે ને ઊઘડતી સવારે એકબે દેડકાં પેટમાં પધરાવી પાઠ ભણતો હોય તેવી એકાગ્રતા અને અખંડપણે સીટી વગાડે છે. કાચંડા, કાગડા, ખેરખટ્ટા અને ખીસકોલાંને આજકાલ લહેરના દિવસો છે. જેનાં તેનાં ઇંડાં