આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપાડીને માળાના માળા વસ્તી વિનાના કરે છે. તેઓ પક્ષીઓના વગર નોતર્યા અળખામણા મહેમાનો છે. હમણાં તમે નજર રાખજો, ખેરખટ્ટા ને કાગડા જેની તેની સાથે લડવામાં અને બાડી આંખે જેનો તેનો માળો શોધવામાં હશે. મહા મહેનતે બનાવેલા માળામાં સરખી રીતે એ બચ્ચાં ઉછેરવાં પણ ભારે મુશ્કેલીનું કામ છે. પક્ષીઓ સુખી છે ને લહેરથી ઊડે છે, કમાવા જવું પડતું નથી ને ભણવા પણ જવું પડતું નથી, ને બધી જાતની મજા છે, એમ ન માનતાં. તમને ઘણી વાર પક્ષીઓ થઈ જવાનું મન થાય છે; પણ બાપુ ! એને ય કેટલા ય દુશ્મનો છે. માણસો દુશ્મન, તેમ જ પક્ષીઓ પણ દુશ્મન; ગરોળી, સાપ, કાકીડો, એ બધા પણ દુશ્મન; શકરો ને બાજ પણ દુશ્મન. આ બધામાંથી બચવું ને ચણ મેળવવી, માળા બાંધવા, ઇંડાં સેવવાં, બચ્ચાં ઉછેરવાં ! એને ય કાંઈ ઓછી પીડા છે ? છતાં પક્ષીઓ ખૂબ આનંદી છે. ખોરાક ખાધા પછી જગ્યા માટે લડી લીધા પછી, તેઓ પાછાં લહેર કરે છે, ગાયન ગાય છે ને સુખેથી જીવે છે.

તમે જાણીને ખુશી થશો કે આપણા બાલમંદિરમાં આઇસ્ક્રીમ હતો. તમને આઇસ્ક્રીમ ખાવો બહુ ગમે, ખરું ? ત્રણ ત્રણ વાર આપ્યો તો યે કોઈ પૂરું ધરાય નહિ તો ! આઇસ્ક્રીમ તો ઠીક, પણ તમે લોકો બરફ ખાવાનાં પણ શોખીન. બાપ રે ! એવો ટાઢો ટાઢો બરફ તે તમે કેમ ખાતાં હશો ? તમે તો કડ કડ કરીને ઉડાવ્યે જાઓ છો ! હવે આ ઉનાળામાં બેત્રણ વાર આઇસ્ક્રીમ ઉડાવીશું.

હમણાં બાળકો અખાડામાં રમતાં નથી; શિયાળે બાળકો ઓરડામાં રમતાં ન હતાં. હમણાં બાળકો સંગીતમાં હાજર હોય છે; શિયાળે બાળકો અખાડાના ચકડોળ પર હાજર હતાં. બાળકો ઓરડામાં કામ કરે છે અને મધમાખીઓ બાગમાં કામ કરે છે. આ આટલો તડકો આપણને જ લાગે છે, પણ મધમાખીને જરા ય નથી લાગતો. ફૂલે ફૂલે તે બેસે છે ને મધ લઈ જઈ ક્યાંઈક મધપૂડો બનાવે છે. હોલાને પણ તડકો નથી લાગતો. તેમને તડકામાં 'તેજી ફૂઈ, તેજો ફૂઓ, ડૂબી મૂઓ' એમ ઘૂઘવવું અતિ ગમે છે. સક્કરખોરાને પણ તડકો વરતાતો હોય એમ લાગતું નથી. અંગ્રેજીમાં એનું નામ સનબર્ડ છે.

ઉનાળો ચાલે છે એટલે કીડીઓ કામે લાગી છે. ટીડ્‌ડાં આમતેમ ઊડશે ને મોજ કરશે; ખોરાક એકઠો કરશે નહિ ને ચોમાસે ભૂખે મરશે. વાંદરાં એક ડાળેથી બીજીએ ને બીજી ડાળેથી ત્રીજીએ ઠેકશે, ફળો ખાશે ને હૂકશે, પણ બખોલ કરશે નહિ ને ટાઢે ધ્રૂજશે. કીડીઓએ આગળથી કેડ બાંધી છે. પોતાનાં દર ઊંડાં ને ઊંડાં ખોદવા લાગી છે; ઝીણી