આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝીણી ગોળગોળ મટોડી ખોદી ખોદીને જમીન ઉપર લાવે છે; દરની આસપાસ માટીની નાની ઢગલીઓ થઈ ગઈ છે; વળી જ્યાં ત્યાંથી ખોરાક એકઠો કરી ઉપાડી જાય છે. મરેલ પતંગિયું, વીંછી, વાંદો, ગોળ, સાકર, ખાંડ, દાણા, જે ખાવા જેવું હોય તે અખંડ ઉદ્યોગથી ઉપાડે જાય છે. તેઓ ચોમાસા પહેલાં પોતાના કોઠાર ભરી દે છે. કીડીઓ ભિક્ષાવૃત્તિ કે લૂંટફાટ ઉપર નભનારી નથી. સજ્‌જન જેમ તે પોતાનો ખોરાક એકઠો કરે છે અને જરૂર પડે ખાય છે. જરાક બાગમાં ફરવા નીકળો ત્યારે જમીન ઉપર નજર નાખજો તો કીડીઓનાં દર અને કીડીઓનું કામ જોવાની મજા આવશે. કોઈ વાર તો કીડીઓ પોતાનાં ધોળાં ઇંડાં એક દરમાંથી બીજા દરમાં ફેરવતી દેખાશે. બિલાડી જેમ પોતાનાં બચ્ચાંને મોઢામાં લઈ શકે છે, તેમ આટલીક કીડીબાઈ એનું ટાંકણીના માથાથી યે નાનું ઇંડું ઝટપટ મોઢામાં લઈને એવાં તો દોડ્યા જાય છે કે રોક્યાં ન રોકાય પૂછ્યાં ન પૂછાય !

રાતના યે હવે ગરમી રહે છે. કોઈ વાર તો પવન સાવ પડી જાય છે. વિનોદપ્રિયાની ધજા છેક સૂઈ જાય છે. હવે આવી રાતો વધશે, ઉકળાટ થશે ને લોકો ગભરાશે. તોપણ હજી ઠીક છે.

આકાશ ચોખ્ખું રહે છે. અત્યારે અંધારિયું છે એટલે તારાનો દીપમાળ ઝગઝગી રહે છે. મારા ફળિયામાં બેઠાં બેઠાં તારાઓ જોવાની બહુ મજા પડે છે. હમણાં હું તારાઓનો થોડોક અભ્યાસ કરું છું. યાદ રાખજો, આવતે અઠવાડિયે તારાની વાતો લખીશ. તમે અત્યારથી તારાઓ જોવા તો માંડજો.

સવાર ખુશનુમા હોય છે; જોકે કોયલ હજી બહુ જોરમાં નથી કૂંજતી; હજી કાળોકોશી બેપાંચ સૂર કાઢતો નથી; હજી સવારે ઠંડીનો ચમચકારો રહે છે; સવારને વખતે હજી ઓઢવું પડે છે. પણ સવાર પડે કે તરત જ સૂરજ ગરમ થાય છે ને થોડીક વારમાં ઉકળાટ વધવા માંડે છે. તોપણ હજી ઠીક છે; હજી મે અને જૂન માસ આવવા દ્યો.

વારુ ત્યારે, સલામ !

લિ. તમારા

ગિજુભાઈના આશીર્વાદ