આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઋતુના રંગ : ૧૧ :


ભાવનગર.

તા. ૧ - ૫ - ૩૬

વહાલાં બાળકો !

અત્યારે બપોર છે; ખરા બપોર છે. ધોમ ધખ્યો છે. બાર ઉપર બે વાગ્યા છે. ધીમી ધીમી લૂ વાય છે. ઝાડ અને છોડ પાંદડાં નમાવી લંછાઈ ગયાં છે. વસ્તુમાત્ર ગરમ ગરમ થઈ ગઈ છે; મારું ખાદીનું પેરણ પણ ગરમ છે.

આ ગરમીમાં છાંયો શોધી કાગડા કા કા કરે છે; બ્રાહ્મણી, મેના અને કાબરો બોલે છે. અત્યારે બીજાં પક્ષીઓ સંભળાતાં નથી.

છતાં સવાર હજી ઠંડી છે. સવારનો પવન મીઠો આવે છે. ઊગતા સૂર્યના કિરણમાં આજે કોયલ કુહુ કુહુ કરતી હતી. કોયલ એટલે નર; કોયલમાં માદા કુહુ કુહુ કરી કૂંજતી નથી. આપણે માનીએ છીએ કે કોયલ નારી બોલે છે તે ખોટું છે; પક્ષીઓમાં નર ગાય છે. હવે કોયલના કંઠ બરાબર ઊઘડશે. આંબાવાડિયામાં તો કોયલના કૂજનની હેલી જામશે.

બ્રાહ્મણી પણ હમણાં તો સુંદર મીઠું બોલે છે. ઉનાળે ઝાડને જેમ પાંદડાં ફૂટે છે તેમ પક્ષીઓનાં ગળાં ફૂટે છે. બ્રાહ્મણી એટલું તો મીઠું બોલે છે કે સાંભળવાનું ગમે છે; એનો મંજુલ રવ મનને આનંદ આપે છે. એનો બોલ લાવણ્યભર્યો અને જાણે કે આપણને પ્રિય થવા બોલાતો હોય તેવો લાગે છે. બ્રાહ્મણી મેના તમે જોઈ છે ? કાબરની એ જાત છે; એને માથે ચોટલી છે. પણ એવી તો મજાની ઓળાવેલી રહે છે કે બસ !

ગઈ કાલે જ મેં મુનિયાનાં નાનાં નાનાં બચ્ચાં જોયાં. મુનિયા ચકલીથી જરી મોટું પક્ષી છે. નાનાં નાનાં મુનિયાં હજી તો વાડે વાડે ફરે છે; ચોમાસે એ મોટાં થઈ જશે અને ઘણે ઠેકાણે એ દેખાવા લાગશે. હમણાં તો ઉનાળો છે એટલે બચ્ચાં થવાનો