આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને મોટાં થવાનો વખત છે. મોટે ભાગે પક્ષીમાત્ર એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ઇંડાં મૂકશે, સેવશે ને બચ્ચાંને ઉછેરશે.

કાબર પણ હવે માળો તૈયાર કરવા લાગી છે. કાબર કલબલ કલબલ કરવામાંથી ને વાતો કરવામાંથી નવરી થાય ત્યારે માળો બાંધે ને ! ચોમાસે એનાં બચ્ચાં થશે એની હગારમાંથી ઝીણી જીવાત થશે, અને પછી જેના ઘરની દીવાલમાં કાબરનો માળો હશે તેના ઘરમાં ઝીણી જીવાત ચાલી નીકળશે. વારુ, હજી તો ઉનાળો છે; ચોમાસું આવે ત્યારે વળી એની વાત.

પેલી દેવચકલીનો માળો કોઈએ વીંખી નાખ્યો ને કોઈ તેનાં ઇંડાં ને બચ્ચું ઉડાવી ગયું, કાં તો કાગડાભાઈ હશે ને કાં તો સાપ હશે. બિચારી દેવચકલી ! નાનું એવું ઘર મહામહેનતે કરેલું, અને કોઈએ તે ભાંગીને ભૂકો કરી નાખ્યું !

પણ ફિકર નહિ. હજી ઉનાળો ચાલે છે. દેવચકલી આગળ ફરી વાર દેવચકલો નાચશે અને ગાશે. ફરી વાર દેવચકલી ને દેવચકલો માળો બાંધશે અને ફરી વાર દેવચકલી ઇંડાં મૂકશે. એમ તો કેટલાંક પક્ષીઓ બેત્રણ વાર આ ઉનાળામાં ઇંડાં મૂકશે.

સક્કરખોરાનું પારણું પીંપરે ઝૂલે છે અને અંદર બેઠેલું બચ્ચું બાદશાહના બેટા જેમ લહેર કરે છે; મા પણ અંદર બેઠી બેઠી તેની સાથે ઝૂલે છે; એ હાલરડાં ગાતી હશે !

આજકાલનું આકાશ હું જોઉં છું. હમણાં તો ચંદ્ર અરધો છે. આ ચંદ્રના અજવાળામાં હું સપ્તર્ષિઓ જોઉં છું. ઉત્તર તરફ આવેલા છે; જુઓ ને, મને તો બરાબર મૂકતાં પણ નથી આવડતા. જુઓ, ડાબી બાજુ ખુણામાં ટપકું છે તે ધ્રુવ તારો છે. આ ધ્રુવ તારો સ્થિર તારો ગણાય છે. એની ફરતા આ સાત ઋષિઓના તારા ફર્યા કરે છે. ધ્રુવ તારો ધ્રુવજી તપ કરવા ગયા હતા અને તપથી પ્રસન્ન થઈ ભગવાને જેને અવિચળ પદ આપ્યું હતું તે ઉપરથી કહેવાય છે. તમે એની વાર્તા તો સાંભળી જ હશે : પેલી ઉત્તાનપાદ રાજાને બે પુત્ર હતા; એક ધ્રુવજી અને બીજો ઉત્તમ, વગેરે. વાર્તા ન સાંભળી હોય તો કોઈને પૂછજો; આ વાર્તા તો બધાને આવડતી હોય છે.

આજકાલના ચંદ્રના અજવાળે રાતના નવેક વાગે હરણાં પશ્ચિમ તરફ નમી ગયાં દેખાય છે. દૂર છે એ તારા ને વ્યાધ કહે છે, અને ચાર પાયાની ખાટલી વચ્ચે ત્રણ ટપકાં છે તે