આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોમાસુ હજી આવે છે. ધોધમાર વરસાદ આવી ગયાને થોડા દિવસ થઈ ગયા છે; હમણાં પાછું કોરાડું છે. હમણાં ખૂબ ઘામ થાય છે. આકાશે વાદળાં ચડે છે ને ઊતરે છે, પણ એકે ય છાંટો હેઠ આવતો નથી. હમણાં તો દિવસે વાદળાં રહે છે ને રાતે ચોખ્ખા મજાના તારા નીકળે છે. લોકો કહે છે કે આ તો સારું નહિ; આ કાંઈ વરસાદ આવવાના ચાળા નહિ.

એક વાર વરસાદ આવ્યો છે ને બીજી વાર પણ આવશે જ. એ કાંઈ આવ્યા વિના રહેવાનો છે ? એના દિવસો છે તે વહેલોમોડો આવશે જ.

હમણાં રોજ રોજ ફરવા જવાની મજા આવે એવું છે. નવું કુમળું લીલું ઘાસ ચોમેર ઊગી નીકળેલું છે. આખી ધરતી લીલા ગાલીચાથી ઢંકાયેલી લાગે છે. બાલમંદિર ઉપર ચડીને જોઈએ છીએ ત્યારે ચોમેર એવું તો સુંદર ને મનોહર લાગે છે કે બસ ! જાણે કે દોડીને ગધેડિયા ખેતરના લીલા ગાલીચામાં આળોટવા માંડીએ. અલબત્ત, ગધેડાને આવી લીલી હરિયાળી ભોંય ઉપર આળોટવાનું નહિ ગમે; એને તો રાખમાં અથવા ધૂળમાં જ આળોટવું ગમે છે.

આજકાલ તમે બહાર ફરવા જાઓ ત્યારે જ્યાં ઢોર ચરતાં હોય ત્યાં નજર નાખજો; ઢોરની પાછળ પાછળ તેમ જ તેમના પગની આજુબાજુ ચાલતાં ધોળાં બગલાં દેખાશે. આ ધોળાં બગલાંને ગાયબગલાં કહે છે. અંગ્રેજીમાં તેને ઢોરબગલાં કહે છે. ખરી રીતે તેને ઢોરબગલાં કહેવાં જોઈએ, કેમકે તે ઢોર પાછળ ને સાથેસાથે ચાલે છે. પણ બગલાં આમ ઢોરની આગળપાછળ શા માટે ચાલે છે, જાણો છો ? જુઓ, આ ચોમાસાના ખડમાં ઘણી બધી જીવાત થયેલી હોય છે. જ્યારે ઢોર ખડ ખાતાં ખાતાં ચાલે છે ત્યારે તેમના પગના સંચારથી ખડની જીવાત ઊડે છે. એ ઊડતી જીવાતને વગર મહેનતે ખાઈ જવા માટે ગાયબગલાં ઢોરની સાથે ચાલે છે. ગાયબગલાં પોતાનો ખોરાક કેવી ખૂબીથી શોધે છે તે ધ્યાનમાં આવ્યું ? પક્ષીઓમાં કેવી કુદરતી પ્રેરણા હોય છે ? આ ગાયબગલાં ધોળાં હોય છે; નજરે જોવાં ગમે છે; ઊડતાં જોવાની મજા આવે છે.

હમણાં તમે કોઈ ખાબોચિયાની પાસેની વાડ ઉપર કે તારના થાંભલા ઉપર કલકલિયો વારંવાર જોશો. નવા પાણીમાં અસંખ્ય દેડકાઓ આજકાલ કલકલિયાનો નાસ્તો, ભોજન, રોંઢો અને વાળુ છે. કલકલિયો ખૂબ જોરમાં અને લહેરમાં છે.