આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગઈ કાલે મેં નર્મદાબેનના બાગમાં દરજીડાનો સંપૂર્ણ માળો જોયો. નાનાં પાંદડાંને સીવીને તેણે તે કર્યો હતો. તેમાં બે ઇંડાં હતાં; હું જોવા ગયો ત્યાં તો એમાંથી ઇંડાં નીકળી ને હેઠે પડ્યાં. એક તો બિચારું તૂટી ગયું ! બીજું રહ્યું તેને માળામાં મૂક્યું. ઇંડું સુંદર હતું. આકાર તો લંબગોળ જેવો, પણ એક છેડેથી અણીવાળું અને બીજે છેડેથી પહોળું હતું. ઇંડું કરમદા જેવું હતું, અને રંગે પોપટી ને તપખીરી છાંટાવાળું હતું. દરજીડાનું ઇંડું મેં જિંદગીમાં પહેલી વાર જ જોયું. સુંદર દેખાવનું હતું.

ચોમાસામાં બિલાડીનો ટોપ થાય છે તે જાણો છો ? થોડા જ દિવસ પહેલાં છોડના એક ક્યારમાં થયેલો. સવારે ઊઠ્યો ત્યાં તો ટોપની દુર્ગંધ ! મને થયું કે ક્યાંક ટોપ હોવો જોઈએ. આખરે તેને શોધ્યો ને ઉખેડીને ફેંકી દીધો.

આવા ટોપ ગંદકીમાં ને ગંદકીથી થાય છે. આપણા લોકો માને છે બિલાડીની વિષ્ટામાંથી તે થાય છે. ખરી રીતે હગાર કે એવી ગંદકીમાંથી એનો જન્મ થાય છે એ વાત સાચી છે. ગંધાતા ઉકરડામાં બિલાડીના ટોપ બહુ થાય છે. ટોપમાં પણ બેત્રણ જાતો હોય છે; કેટલાક ટોપ ઝેરી હોય છે ને કેટલાક નથી હોતા. સાહેબલોકો નહિ ઝેરી એવા ટોપને ખાય છે; તેનું શાક પણ કરે છે. તે ટોપ ગંધાતા હોતા નથી. મેં ખાઈ શકાય તેવા ટોપ જોયા નથી, તો ખાધા ક્યાંથી જ હોય ? કહો ત્યારે, મેં ચોમાસા સંબંધે કેટલું લખ્યું ? હવે વળી બેચાર દિવસ પછી. હજી તો મારે તમને આજકાલ ઊગી નીકળેલી વનસ્પતિ વિષે લખવાનું છે; આકાશના દેખાવો ઉપર લખવાનું છે ને ચોમાસાની ઘણી યે શોભા અને ખૂબી ઉપર પણ લખવાનું છે. ઋતુઓનો રાજા ચોમાસું છે. એની વાત તો લાંબી જ હોય ના !

લ્યો ત્યારે, રામરામ.

લિ. શુભેચ્છક

ગિજુભાઈ