આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોટું થાય, ઇયળો થાય, પછી તે ઘાસ ખાય, પછી ઊંઘે, પછી તેમાંથી કોશેટા બને ને પછી તેમાંથી ફૂદાં બને ના ? વરસાદને વાર લાગે છે તેની સાથે આ પણ ખોટી થાય છે.

ગઈ કાલે જરાક છાંટા જેવું થયું. બે છાંટા પડ્યા ને પછેડી ભીંજાય એટલો યે વરસાદ ન પડ્યો ત્યાં તો બધું વીંખાઈ ગયું !

પણ દરિયા ઉપર વરસાદ વરસ્યો હશે એમ લાગે છે. દરિયા ઉપર વરસાદ વરસ્યો હશે એમ લાગે છે. દરિયા ઉપર સુંદર મેઘધનુષ્ય તણાયું હતું. મેઘધનુષ્ય કેટલું બધું સુંદર લાગે ! તમે બધાંએ તો જોયું હશે. કેટલું બધું સુંદર, સુંદર, સુંદર !

ગઈ સાંજનો દેખાવ સુંદર હતો. વાદળાંની ગોઠવણ એવી થઈ ગઈ હતી કે આખી પૃથ્વીનો પટ ઘેરો લીલો બની ગયો હતો. આ ઘેરા લીલા ગાલીચાને જોઈ મન ખૂબ પ્રસન્ન થતું હતું. સૃષ્ટિનો ગંભીર દેખાવ મન પર ગંભીરતાની છાપ પાડતો હતો.

શ્રાવણ માસ તો ચાલવા માંડ્યો. હવે કહેવત પ્રમાણે સરવડાં આવે, પણ હજી સરવડું યે નથી આવતું.

ઘામ, ઘામ ને ઘામથી તો કંટાળ્યા. હવે તો લખવું યે નથી ગમતું ! તેમાં વળી થોડીક માખીઓ હાથ પર બેસીને કંટાળો આપે છે. ને ચોમાસાની માખીઓની હેરાનગતિ તો જાણવા જેવી છે જ. પણ તે હવે પછી.

હમણાં કોયલનાં બચ્ચાં ઊડવા લાગ્યાં છે; નાના કાગડા જેવાં તે લાગે છે. હાલ તો એ જ.

લિ. શુભેચ્છક

ગિજુભાઈના આશીર્વાદ