આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઋતુના રંગ : ૩ :


બાલમંદિર : ભાવનગર.

તા. ૨ - ૨ - ૩૬

વહાલાં બાળકો !

હજી શિયાળો ચાલે છે, ખરું ? અત્યારે મહા મહિનો છે. શિયાળાના ચાર માસ ગણાય છે : કારતક, માગશર, પોષ અને મહા. એમ છતાં કારતકમાં ઠંડી થોડી હોય છે અને ઘણી વાર નથી હોતી; અને ફાગણની પૂનમ સુધી તો ઠંડી સારી રીતે પડે છે. લોકો તો એમ માને છે કે ફાગણ માસની હોળી તાપ્યા વિના ટાઢ ઊડે જ નહિ.

ગયા અઠવાડિયામાં બહુ ઠંડી ન હતી એટલે કામ કરવાની મજા આવી. છતાં હજી ગરમી તો વધી જ નથી. વચ્ચે બેત્રણ દિવસ બપોરે ઠીક ઠીક પવન રહ્યો એટલે બાલમંદિરનાં બાળકો સંગીતમાં આવ્યાં જ નહિ, અને અખાડામાં રમવા લાગ્યાં. આ ઋતુમાં બાળકોને તડકો બહુ ગમે છે. અખાડામાંથી તેઓ ખસતાં જ નથી. તેઓ ત્યાં લપસે છે, કૂદે છે, દોડે છે, ચોરચોર રમે છે, હીંચે છે, ને ચક્કાર પર પણ જાય છે. બાળકો ઓરડામાં આવે નહિ એટલે અમે બધાં અખાડામાં જઈને ઊભાં રહીએ છીએ. ઓરડામાં જ કાંઈ થોડું ભણતર છે ? અખાડામાં આ બધું ભણતર જ છે ના !

શિયાળો; ઉનાળો અને ચોમાસું : એમાં તમને કઈ ઋતુ ગમતી હશે એ તો તમે જાણો. પણ એ સાચું છે કે ગરીબનો ઉનાળો અને પૈસાદારનો શિયાળો. શિયાળે ઓઢવા-પાથરવા જોઈએ, પહેરવા પણ જોઈએ, અને ભૂખ પણ વધારે લાગે. અને તે માટે પહેરવાઓઢવાનું તેમ જ સારું સારું ખાવાનું ગરીબ પાસે તો નથી. શિયાળે પૈસાદારને શું ? ટાઢ વાય તો આ...ને મજાની સગડી પાસે તાપે, ગરમ મોજાં પહેરે, શાલો ઓઢે અને રજાઈઓ ઓઢીને સૂઈ રહે. બિચારાં ગરીબો ટાઢે ઠૂંઠવાય. એમને પૂરું પાથરવા-ઓઢવાનું હોય તો કે ? અને તડકે કે સગડીએ ક્યાંથી તાપે ? પેટને માટે કડકડતી ટાઢમાં પણ કામે તો જવું જ પડે. બાકી ઉનાળો આવે ત્યારે ગરીબોને નિરાંત. ફાટલાં કપડાં હોય તો યે ચાલે. શહેરમાં સેંકડો લોકો ફૂટપાથ ઉપર એમ ને એમ પડ્યા જ રહે છે. પણ