આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમને આવી રીતે પડ્યા જ રહેવું ગમે છે એમ ન માનજો. એમની પાસે પૈસા નહિ, ઘર નહિ, ખાટલાગોદડાં નહિ એટલે એમની આવી દશા.

વારુ, એ તો બધું બદલાશે જ. હમણાં તો આપણે આપણો શિયાળો તો વિતાડીએ ? કાં, લીલા ચણાના શાક ખાઓ છો કે નહિ ? પાપડીનાં ને તુવેરનાં ઊંધિયાં ય ખાતા હશો. રીંગણાનો ઓળો ખાતા હશો; હમણા મોટાં અને કાળાં રીંગણાં બહુ આવે છે. ને એમ તો શિયાળુ શાકમાં કેટલાં ય આવે છે : પાપડી, નોલકોલ, મેથી, વાલોળ, કોબી, રીંગણાં, ફૂલગોબી, મોગરી, ને એ બધાં. કહો, તમને કયું શાક ભાવે, ભલા ?

શાક ખાવા જોઈએ એ તમે જાણો છો ? લીલાં શાકો ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. શકરિયાં, ગાજર, મૂળા, મોગરી, ટમેટાં, કોબી ને એવાં એવાં શાકો તો ચાવી ચાવીને ખાવાથી બહુ ફાયદો થાય એમ બધા કહે છે. લાલ ટમેટાં બહુ ગુણકારી, હં ! એની કચૂંબર થાય, એનો સૂપ થાય, અને એનો મુરબ્બો પણ થાય. તમારી બાને આવડતો હોય તો કહેજો કે કરી આપે.

હમણાં જમરૂખ આવે છે, બોર આવે છે; જોજો, ખાવાનું ભૂલી જતાં નહિ. તમે તમારા ભણતરમાં એટલાં બધાં કદી ન પડતાં કે ખાવાપીવાનું ભૂલી જવાય. તો તો બધું ભણતર નકામું જાય.

જામફળ ઉપર જરા મીઠું ભભરાવજો; તો ખટાશ ઓછી થઈ જશે ને મીઠાશ આવશે. જામફળનો પણ મુરબ્બો થાય; એકલી કેરીનો જ થાય એમ નથી. પણ આ બધું તમને મળે છે; બિચારાં ગરીબનાં છોકરાંને મુરબ્બા વળી કેવા ? અને જામફળો અડધાં પાકાં ને અડધાં કાચાં એવાં કાછિયાઓ એને વેચે; પૂરા પૈસા આપે તો યે સારું ન આપે તો !

આ શિયાળામાં ઘરમાં બેસી ન રહેતાં; જરાક બહાર ફરવા જજો. જરા ધુમ્મસ પડતું હોય ત્યારે બહાર જશો તો મજા આવશે. નજીકનાં ઘરો પણ નહિ દેખાય; આકાશ, સૂરજ, ને એવું કાંઈ યે નહિ દેખાય. ત્યારે બધું ઝાંખું ઝાંખું જોવાની યે મજા પડશે. મોટા મોટા ડુંગરા ઉપર તો એવું ધુમ્મસ વરસે કે બે જણા સાથે ચાલતા હોય તોપણ એકબીજાને ન વરતાય. આપણે ધુમ્મસમાં જ ઘેરાઈ જઈએ; કશું જ ન ભળાય.