આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદિવચન
 


છે. પ્રો. શંકરલાલ વિવેક ખોયા વગર સ્પષ્ટવક્તા બની શકે છે. આનંદશંકર, ન્હાનાલાલ, મુનશી જેવી વ્યકિતઓ સંબંધમાં પણ જનસમાજની પ્રચલિત ભાવના અને ભાવનો નીડરપણે ઉલ્લેખ કરી શકતા પ્રો. શંકરલાલમાં વ્યક્તિઓને પરખી કાઢવાની, સામાજીક પીઠિકાને સમજવાની, અને બન્નેનો સમન્વય કરી તેમની ખરી કિંમત આંકવાની શક્તિ ઊંચા પ્રમાણમાં રહેલી છે, એમે આ ‘સાહિત્યને ઓવારેથી’ આપણે સહજ જોઈ શકીશું.

પ્રો. શંકરેલાલે ઊંડા અભ્યાસનું પણ આપણને દર્શન કરાવ્યું છે. તેમના આવા વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ વગર આ રેખાચિત્રોમાં સચોટતા ન આવી શકી હોત.

‘સાહિત્યને ઓવારેથી’ નામે આ ગ્રંથ આપણને ગુજરાતને એક લાંબો, સળંગ, મનોહર, અને વિશિષ્ટતા–ભર્યો છતાં સાચા સંસ્કાર–પ્રવાહ, સાહિત્ય–પ્રવાહ બતાવનાર હોઈને ઇતિહાસ અને અભ્યાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી અને વિશિષ્ટ ગુણવાળો છે. એમાં સમભાવ છે, પૂજ્યભાવ છે, છતાં ઉર્મિલતા નથી; એમાં ઊંડો અભ્યાસ છે, છતાં શુષ્કતા નથી; એમાં વિવેચનકલા છે, છતાં અહંની અંઘોળ નથી; એમાં સ્પષ્ટતા છે, પરંતુ સત્યવક્તાપણાનો ઘમંડ કે કડવાશ નથી.

ગુર્જર સાહિત્યમાં આ ‘અવલોકન અને અર્ધ્યનો’ સંગ્રહ વિશિષ્ટ અભ્યાસગ્રંથ હોવા ઉપરાંત જીવનચિત્રો કે ચરિત્રો અને વિવેચન કેવાં હોવાં જોઈએ તેનો એક ઉચ્ચ નમૂનો છે.

આવા અનેક ગ્રંથો પ્રો. શંકરલાલ શાસ્ત્રી લખે, સાહિત્ય અને સંસ્કારની સેવા કરે, અને પ્રોફેસરના ધર્મનું પાલન કરે એ જ અભિલાષા !