આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સાહિત્યને ઓવારેથી
 


વૃદ્ધોને વડિલભાવે વંદે છે, સમવયસ્કોને સખાભાવે સત્કારે છે, ને નાનેરા યુવકોને મિત્રભાવે ઉત્તેજે છે. તેઓ સાહિત્યસેવામાં સાહિત્યભક્ત બને છે, નાટ્યકારોમાં નાટ્યવિદ્‌ થાય છે ને કલાકારોમાં કલાવિદ્‌ બને છે.

તેમનામાં રાષ્ટ્રસેવકનો ઉત્સાહ છે, વીરનો જુસ્સો છે, ને સર્વવિદ્‌ બનવાની ઈચ્છા છે. શ્રી. મુનશીના તેઓ એક વખત સ્નેહાળ સખા અને માનનીય મિત્ર હતા. એકની મહત્વાકાંક્ષા ને શક્તિઓ વણપાંગરી રહી, અન્યની આજે પ્રફુલ્લ થઈ સમગ્ર ગુજરાતને, બલ્કે અખિલ હિંદને સુપરિચિત થઈ છે. સર્જનશીલ પ્રતિભાની ઉણપે કે સર્વદેશીય સ્વભાવને લીધે અથવા દમના કારણે ચંદ્રશંકરભાઈને ન એક્કેય ધ્યેય રહ્યું, કે ન એક્કે લક્ષ્યસિદ્ધિ થઈ. એ ગહનતાના અભાવે ને તલસ્પર્શી અભ્યાસની ઓછપે તેઓ ન બન્યા પ્રખર પંડિત કે સમર્થ સાહિત્યવાર, ને ન થયા વિખ્યાત વકીલ કે સુપ્રસિદ્ધ લોકસેવક; અને તેથી જ જનતા તેમના મિલનસાર સ્વભાવને અયોગ્ય અંતરાય ધારે છે, ગુણપૂજાને ખુશામત ગણે છે, ને શબ્દ–માધુર્યને માખણ માને છે. ગમે તે સભા હોય કે ગમે તે વિષય હોય, ત્યાં ને તે વિષય ઉપર ચંદ્રશંકરભાઈ આકર્ષક રીતે બોલી કે લખી શકે છે: આ જેટલું આશ્ચર્યકારક છે, તેટલું જ ખેદજનક છે. કારણકે તેથી તેમનું સ્વતંત્ર વ્યક્તિત્વ ક્યાંયે વ્યક્ત ન થયું, ને તેમણે ક્યાંયે નિરાળી ભાત ના પાડી. સર્વના થવા જતાં તેઓ પોતાના મટી ગયા ને પોતાપણું ગુમાવ્યું.

ચંદ્રશંકરભાઈ કવિ ન્હાનાલાલ સાથે સદ્ભાવ રાખે છે, પ્રો. ઠાકોરના સ્નેહી છે, ને નરસિંહરાવના પ્રીતિપાત્ર હતા. આમ કેટલાયે પરસ્પર વિરોધી સાહિત્યભક્તોનું તેઓ સંગમસ્થાન છે, અને તે પણ તેમની સહજ સ્નેહવૃત્તિ અને સહનશીલ