આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સાહિત્યને ઓવારેથી
 


ચંદ્રશંકરભાઈ લાંબી ફલંગે મુંબઈથી ગુજરાત અને કચ્છ–કાઠીઆવાડ સુધીનો પ્રવાસ ખેડે છે. માર્ગમાં સુરત, વડોદરા, નડિઆદ, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળોએ તેઓ સભાઓ યોજાવે છે, ને વ્યાખ્યાન કરે છે. તેઓ પ્રાચીનતાના પૂજારી છે, તેટલા જ અર્વાચીનતાના આશક છે. તેઓ વૃદ્ધ અને યુવકોના સેતુ બની બંનેને સહકાર આપે છે. તેમને સાહિત્યતીર્થ સમા વતન નડિઆદને ઉચ્ચ ને ઉજ્જવળ બનાવવું છે. તેઓ જ્યારે નડિઆદમાં હોય ત્યારે સભાઓ ભરાય, સંમેલનો થાય, સાહિત્યસભામાં જોમ આવે, ને જયંતીઓ ઉજવાય. તેમણે નડિઆદનો મહત્તાકાળ નિરખ્યો છે, ને તેથી જ તેઓ નડિઆદન ઊંચી ડોકે સ્થિર રાખવા ઈચ્છે છે. પણ તેમને આ કાર્યમાં સહકાર આપનાર કોણ ? સ્વ. ઈન્દ્રશંકર પંડ્યા, ક્વચિત્‌ પ્રો. કાન્તિલાલ પંડ્યા, તે ક્વચિત્ શ્રી. અંબાલાલ જાની, અને વિશેષમાં નડિઆદમાં જ વસતા કવિચિત્રકાર ફૂલચંદભાઈ, શ્રી. જયંતીલાલ મોરારજી, ‘મસ્તમયૂર’ અને એસ. એસ. ઠાકર. ચંદ્રશંકરભાઈની નડિઆદના શિષ્ટ વર્ગોમાં– સમાજમાં ને નાતમાં–આણ વર્તતી હોય તેમ ત્યાંનો નાગરિક વર્ગ તેમને પડતો બોલ ઝીલે છે, ને અપૂર્ણને પૂર્ણતાએ પહોંચાડે છે. તેમની પ્રેરણા અને પીઠબળ વિના નડિઆદમાં રાજકીય પરિષદ કે સાહિત્ય પરિષદ ભરાત કે કેમ તે સંદિગ્ધ સવાલ છે; ને આ પરિષદો વખતે નડિઆદના આતિથ્યે તેમાં શી મણા રાખી ? ત્યાંના દેસાઈકુટુંબે, ત્યાંની નાગરકોમે ને વણિક વર્ગે મ્હેમાનોને કેટકેટલાં ભાવભીનાં આતિથ્ય દીધાં ? ત્હોયે કહેવું જોઈએ કે શ્રી. ચન્દ્રશંકરની નડિઆદને સંપૂર્ણ પિછાન નથી; નહિતો નાનકડા નડિઆદમાં યે તેમની આગળ યુવાનોનો સંઘ ઉભરાતો હોય ને સ્વયંસેવકોની સેના ટોળે મળે.