આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. ચંદ્રશંકર ન.પંડ્યા
૮૯
 


ગયા છે. તેમનાં સ્નેહ ને સેવા, રસિકતા ને ગુણગ્રાહિતા ઇ. સ. ૧૯૧૮ સુધી અને ત્યાર પછીયે લગભગ દશકા સુધી મર્યાદિત ને પ્રશંસાપાત્ર હતાં, તેમના વ્યક્તિત્વમાં તેમજ લેખોમાં. પરપ્રશંસાનો અતિરેક નહિ, ગુણદર્શનમાં મર્યાદાભંગ નહિ, કલ્પનામાં સુરુચિનો ત્યાગ નહિ, અને આત્મશ્લાઘાનો ઉદ્‌ગાર નહિ. પણ પૂર્વે કહ્યું છે તેમ દમના રોગથી તેમની શક્તિઓ ક્ષીણ થવા લાગી, છતાં જાહેરજીવનનો શોખ અને યશવાંછા તો તેમનામાં હતાં તેનાં તે જ રહ્યાં. પરિણામે તેઓ વાણીથી, કલમથી અને કાર્યથી બંનેની પાછળ ઘસડાવા લાગ્યા. આજ લક્ષણ તેમના છેલ્લા દશકાની સર્વ પ્રવૃત્તિઓનું રહસ્ય બને છે.

સામાન્ય માનવી માત્રમાં અમુક ગુણો ઈશ્વરદત્ત હોય છે જ; તેના સામાન્ય ગુણોની કથા કરવી કે આખ્યાન રચવું તેમાં શું ઔચિત્ય હશે ને શી સાહિત્યસેવા હશે ? અસામાન્ય ને અનુકરણીય ગુણોનું દર્શન એ જ સાચું ગુણગ્રાહિત્વ છે; બાકી બીજું બધું તો અનુચિત પ્રશંસામાં, અતિશયોક્તિમાં કે ભાટાઈમાં સરી પડે છે. “હું તો સર્વ દેવોને નમસ્કાર કરીને કૃતકૃત્ય થનારો ગુણગ્રાહી વિવેચક છું,” એમ કહેનાર ચંદ્રશંકરભાઈએ સાચા દેવત્વને જ વખાણવાની વિવેકદૃષ્ટિ દાખવી હોત તો ? તેઓ ચતુરાઈથી આ હકીકત વેળાસર સમજી શક્યા હોત તો ? તેમના પરપ્રશંસાના મોહમાં કાળબળે પ્રચ્છન્ન અહંભાવ દેખાવા લાગ્યો, અને અહંભાવમાંથી દુરાગ્રહ ને સંકુચિત દૃષ્ટિ ઉદ્‌ભવ્યાં. ઔદાર્ય ઓસરતું ગયું, ને વિચાર વિશાળતા ઘટતી ગઈ. અંતે, નર્મદની, ગોવર્ધનરામની, ખબરદારની, ન્હાનાલાલની, અને એવા અનેકની જયંતીઓનું નિમિત્તકારણ બનનાર પોતે અસ્મિતાના કર્દમમાં કળી ગયા. તેમની અર્ધશતાબ્દીના