આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૧૦૩
 


શૌર્યસોહામણા છે. તેનું પ્રત્યેક ગામડું કોઈ સંયુક્તાની પ્રેમકથાથી, કોઈ સાધુભક્તનાં સંસ્મરણોથી, કે કોઈ રુધિર ટપકતા વીરત્વથી ઉજ્જવલ બનેલું છે. કોઈ વીરની વાર્તા, કોઈ ‘સતીની શીલગાથા,’ કોઈ બહારવટિયાની પડકારકથા, કે કોઈ પાળિયા રૂપે અમરતાને વરેલા પાકૃત જનની પ્રશંસાથી આ કૃષ્ણની નિવાસભૂમિ અદ્‌ભુત લાગે છે. અર્વાચીન દયાનંદો ને ગાંધીઓ તથા મહામાત્યો ને મુત્સદ્દાઓ માટે આ મુલક આજે પણ મશહૂર છે. તેનાં જૂનાગઢ, સોમનાથપાટણ કે પોરબંદર જેવાં પ્રાચીન ને ઐતિહાસિક સ્થળો આજે સમગ્ર જગતમાં પણ અતિ વિરલ છે. સૌરાષ્ટ્રનો એ પ્રદેશ કેટકેટલા રાજવિપર્યયોનો, કેટકેટલી ધર્મક્રાંતિઓનો, ને કેટકેટલા ઐતિહાસિક ને અદ્‌ભુત પ્રસંગોનો સાક્ષી છે ? આજે પણ સંભવ છે કે તેમાંથી પ્રાચીનતાના મૂલ્યવાન કણ મળે, ને અવનવા પ્રકાશપરમાણુઓ લાધે. પણ કોને જોવું છે ને કોને જાણવું છે ? મહાન પૂર્વજોને ઉવેખીને, જાહોજલાલીભર્યો ભૂતકાળ ભૂલીને, અને પ્રાચ્યવિદ્યાનો પ્રેમ મિટાવીને, ગુજરાત તેનો વર્તમાનકાળ વિચારી શકશે નહિ, તેનું ઉજ્જવળ ભાવી ઘડી શકશે નહિ, ને સાંસ્કૃતિક એકતા સાચવી શકશે નહિ. આજના નવજુવાનો ક્રાન્તિના હિમાયતીઓ બની પુકારે છે કે પરિષદે હવે પ્રાચીનતા તરફ, તેના પ્રાચીન ઇતિહાસ ને સાહિત્ય તરફ નજર ન નાખવી, પણ પ્રશ્ન તો એ ઊઠે છે કે પરિષદે પહેલાં ય કદી આ પ્રદેશમાં નજર નાખી કોઈ સિદ્ધિ મેળવી છે ખરી ?

વિત્ત પાછળ વલખાં મારતા, ને લક્ષ્મીની જ ઉપાસના કરતા ગુજરાતને કે તેની સાહિત્યપરિષદને વિશેષ વિચાર કરવાની યે ક્યાં કુરસદ છે ? તેના ભૂતપૂર્વ કવિઓ ને ગ્રંથકારોને