આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સાહિત્યને ઓવારેથી
 


એક પ્રમુખ ભાખી ગયા છે. કવિતા કેવળ ગગનગામી કલ્પના નથી, કે શિક્ષિતોને જ ઇજારે અપાયેલી વસ્તુ નથી. સાહિત્યપરિષદે આ નવા વાતાવરણને વેગ આપવા ને જાગૃતિનાં આદોલનોને વિસ્તારવા આજ સુધીમાં કશુંય કર્યું છે ખરૂં ? પણ આ સિદ્ધાંતનો અતિરેક હાનિકારક ન થાય તે માટે સાવચેતીના બે બોલની અત્રે જરૂર છે. આમવર્ગમાં વ્યાપક થાય ને પીડિતાને પ્રેરક બને તે જ સાચું સાહિત્ય; ને ઇતર બધું અનાવશ્યક ને અવગણનાપાત્ર છે: એવી માન્યતા જો ઊભી થાય તો તેને દાબી દેવા જેવી છે. સાહિત્ય ને જનરુચિના પ્રદેશ સંપૂર્ણતઃ સમાન કે એકરૂપ નથી. શુદ્ધ સાહિત્ય જનતાને પ્રેરે છે, પોષે છે ને પ્રફુલ્લ કરે છે. પણ જનરુચિ જો મલિન કે વિકૃત હોય તો સાહિત્ય કાંઈ તેની ખુશામત ન કરે અને પોતાનો આદર્શ ન તજે. લોકપ્રિયતાના ભોગે પણ સાહિત્યે સાચુંજ માર્ગદર્શન કરાવવું જોઈએ; કારણ કે સાહિત્યનું કામ કેવળ જનમનરંજન કરવાનું નથી, પણ લોકહૃદયને ઉજાળવાનું ને પ્રકાશને પંથે પાડવાનું છે. વિશેષમાં, મર્યાદિત વાચકોને જ ઉપયોગી થતું ને વિદ્વદ્‌ભોગ્ય તરીકે ઓળખાતું ઉચ્ચ સાહિત્ય તેની સંકુચિત સીમાઓને લીધે જ કાંઈ ઉપેક્ષાપાત્ર નથી. આવા સાહિત્ય વિષે કવિવર ટાગોર તેને વરાળનું રૂપક આપતાં કહે છે કે:

‘આપણા વિદ્વાનો જનસમાજનો અનુભવ મેળવી, નિરીક્ષણ અને ચિંતન દ્વારા, અભ્યાસ અને અધ્યયન કરીને જે કાંઈ સત્ત્વ ખેંચે છે, તે વરાળ જેવું સૂક્ષ્મ તત્ત્વ હોય છે. અને તે વરાળમાંથી પછી વાદળાં બંધાઈ તે પૃથ્વી પર પાછળથી વરસાદ રૂપે વરસે છે.’ આશા છે કે સાહિત્ય પરિષદના આગામી સંમેલનમાં આ દૃષ્ટિબિંદુ ધ્યાનમાં લેવાશે.