આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સાહિત્યને ઓવારેથી
 


રહે તેવું સમર્થ છે; પણ તેના સાહિત્યકારોના સંકુચિત વાડાઓ ને તેના ઉદ્દામ, ઉગ્ર ને એકલપંથી સાહિત્યકારો આજે તેમાં વિઘ્નરૂપ છે. નાના મુદ્દાઓ ઉપર, ને સૂક્ષ્મ મતભેદો ઉપર તેના સાક્ષરો આજે સાઠમારી જગાવે છે, તેના કવિઓ કલમ ખેંચે છે, ને તેના વિવેચકો વાગ્યુદ્ધો આરંભે છે, ત્યારે સાહિત્યપ્રદેશ ફળદ્રુપ ને રસકસવાળો શી રીતે બને ? પરિષદના બંધારણની કલમો જરા શિથિલ થાય, આત્મપ્રતિષ્ઠાના ઊંચા ખ્યાલ જરા નીચે આવે, વ્યક્તિ કરતાં સંસ્થાઓ મોટી મનાય, સંસ્થાઓ પોતે નિષ્પક્ષપાત ને ન્યાયી બને, અને ગુજરાતી સાહિત્યનું સાચું હિત સૌ સાહિત્યસેવકોને હૈયે વસે, તો ગુજરાતના ઉન્નત સાહિત્યનાં, લોકજાગૃતિનાં, વર્ચસ્‌વંતી વિદ્વત્તાનાં અને ગુજરાતી વિદ્યાપીઠનાં અનેક સ્વપ્ન શીઘ્ર સિદ્ધ થાય. સાહિત્ય પરિષદના કોઈ પણ પ્રમુખે આ વેરઝેર ને પક્ષાપક્ષી મિટાવવાના ને સક્રિય સહકાર સાધવાના આજ સુધીમાં શા પ્રયત્નો કર્યા ? પરિષદના આગામી સંમેલનના સમર્થ ને વિભૂતિવંતા પ્રમુખ આ દિશામાં ધ્યાન આપી સાહિત્યપ્રદેશના કલહો દૂર કરે, ભૂતકાળનાં વેરઝેર મિટાવે, ને કવિ ન્હાનાલાલ જેવા નીડર, અણનમ ને સમર્થ સાહિત્યસેવકની ફરિયાદ સાંભળી તેમને સંસ્થા તરફથી નિર્ભેળ ન્યાય આપે, એવું સૂચન શું અસ્થાને છે ? પણ સંયોગોની ગહનતા આજે કોણ ઉકેલી શકે ?

૧૧ હજુ એક ઉપયોગી વિષય છણવાનો બાકી રહે છે. સાહિત્ય લોકજીવનને સ્પર્શે છે ને પલટે છે એ સિદ્ધાંત સ્વીકારીએ, તો પછી દેશની વિરલ પળોમાં, તેના દુઃખની ઘડીએ લેખકો ને કવિઓનું સ્થાન ક્યાં ? ધરતીકંપમાં, રેલસંકટમાં, ખેડૂતના સર્વ આશાને ચૂર્ણ કરી નાખતા હિમસંકટમાં, અને