આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૧૦૯
 


અનાવૃષ્ટિના દુકાળમાં આપણું સાહિત્યભક્તો ક્યાં ગયા હોય છે ? સમગ્રદેશ જ્યારે રાષ્ટ્રીય જાગૃતિ માટે તૈયાર થતો હોય ને અહિંસક યુદ્ધના સૂરો દિગન્તમાં વ્યાપી જતા હોય, જ્યારે ચુનંદા સ્વયંસેવકો શુદ્ધ બલિદાન દેતા ‘માતની આઝાદી’ ગાતા હોય, જ્યારે શુદ્ધ અહિંસક યજ્ઞથી વિરોધીઓને જીતવાને, ને સ્વરાજ્ય ઘેર કરવાને પ્રાણ પાથરવાની મુખ્ય સેનાપતિ હાક દેતો હોય, ત્યારે આપણા કવિઓ ને લેખકે પ્રજાથી અતડા ને શાંત કેમ રહે ? જ્યારે ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,’ ત્યારે આપણા સાહિત્યકારની ભાવનાઓ શું સૂકાઈ જતી હશે, કે તેમનાં હૃદય થીજી જતાં હશે ? કેળવણી, સાહિત્ય અને રાજકારણનો સાચો ને સ્થાયી સંબંધ કયો ? રાજકારણની વાંસળીએ સાહિત્યે નાચવું જોઈએ, કે સાહિત્યને સ્વતંત્ર ને વિશાળ હકુમત છે ખરી ? કવિઓ ને લેખકો યુદ્ધની, બલિદાનની, અને માનવતા દુઃખનિવારણની પળે નિર્લેપ તો ન જ રહી શકે. સાચો કવિ ને સાચો લેખક સમભાવશીલ હૃદય ને સૂક્ષ્મ અંતર્દર્શી વૃત્તિ ધરાવે છે. તે દેશનું દર્દ પ્રીછે છે, ને જનસમુદાય જગાડે છે. તે પ્રજાના દેહને નહિ પણ પ્રજાના હૃદયને તૈયાર કરે છે. તેના શરીર કરતાં તેના હૃદય વડે, તેની કલમમાંથી ટપકતી એ ઉજમાળી ભાવનાઓ વડે તે દેશની ને વિશ્વની વધુ સંગીન સેવાઓ બજાવે છે. વિશેષમાં, સાહિત્યનો હેતુ રાષ્ટ્ર કરતાં વધુ વ્યાપક ને ઉચ્ચ છે; કારણ કે જગતકલ્યાણ તે દેશહિત કરતાં યે મોઘેરૂં ને માનાર્હ છે. તે પછી સાહિત્યસેવક ઉપર અમુકજ ભાવનાઓને કે અમુક જ રુચિઓને ઘડવાની શિરજોરી કરવામાં કયું સાચું હિત સધાતું હશે ? છતાં સાહિત્યસેવક તે લોકજીવનથી, સામુદાયિક જાગૃતિથી પર ન રહી શકે, ને અતડાઈ