આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય પરિષદ
૧૧૩
 


સાહિત્યોત્કર્ષ તરફ જ પ્રધાન દૃષ્ટિ રાખે, ને પોતાના પ્રમુખપદ દરમ્યાન તેને જ ખૂબ અગત્ય આપી સાહિત્યભાવનાને વ્યાપક કરે, તો ગુજરાતી સાહિત્ય ને તેનું શિરછત્ર ગણાતી સાહિત્યપરિષદ તેથી વધુ તેજસ્વી બનશે. વીર નર્મદની ગરવી ગુજરાતને તેની સાહિત્યસિદ્ધિઓ માટે ગાંધીયુગની ભાવનાઓ સાંપડે, ને ગાંધીજી પોતે પ્રમુખ તરીકે મળે, તો પછી સાહિત્યની સુષુપ્તિ ટળે ને સર્વદેશીય પ્રગતિ થાય તેમાં શું આશ્ચર્ય છે ? ગુજરાતી સાહિત્યના સૂર જો હિંદી ભાષાના ડિંડિમમાં ડૂબી ન જાય ને સાહિત્ય જો રાજકારણનું રમકડું ના બને, તો આજના સંયોગો સર્વથા અનુકૂળ છે. સત્ય અને અહિંસાના એ પૂજારી ઉપર સરસ્વતીની અમીદ્રષ્ટિ ઊતરે તે ગુજરાતી સાહિત્યના અને તેની પરિષદના સર્વત્ર જયરંગ ગાજે, અને સાહિત્ય અપ્રતિમ જીવનભાવના તરીકે મૂર્ત બને. ગુજરાતી સાહિત્યનો સર્વાંગ અભ્યુદય ઇચ્છનારાઓ આજે સાહિત્યપરિષદના આગામી સંમેલનના એ વરાયલા પ્રમુખ તરફ આતુરતાથી મીટ માંડી રહ્યા છે; તો પછી સાબરમતીના સંત વિના અન્ય કોણ એ શક્યતાઓને મૂર્ત બનાવશે ?