આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
સાહિત્યને ઓવારેથી
 


હું તેમના આમંત્રણને વશ થઈ મળવા ગયો. પણ અમીન સાહેબ તો ઘેર ન મળે ! લગભગ કલાક–દોઢ કલાક પછી તેઓ પેટલાદના એક કાર્યકર્તા સાથે ઘેર પાછા ફર્યા: અને વાતચીત ઉપરથી ખબર પડી કે તેઓ બંને એટલી મોડી રાત્રે પણ હરિજનશાળા અને રાત્રિશાળા જોવા તથા એક જાહેરસભામાં હાજરી આપવા રોકાયા હતા. છતાં સવારમાં પાંચ વાગે તેઓ ફરવા જવા માટે તૈયાર જ હતા ! યુવકો જ્યારે ઉનાળાની ગુલાબી ઉંઘ સેવતા હોય છે, ત્યારે આ વૃદ્ધ કાર્યકર જુવાનને શરમાવે તેવા ઉત્સાહથી સેવાકાર્યમાં કે સ્વકાર્યમાં આગળ કૂચ કરે છે.

સને ૧૯૨૭ના વર્ષમાં રેલસંકટ વખતની શ્રી. મોતીભાઈની સેવાઓ તોતે અતિ નોંધપાત્ર ને પ્રશંસાપાત્ર છે. રેલથી મૂર્છિત બનેલી પેટલાદ તાલુકાની પ્રજાને આશ્વાસન દેવા ને સ્હાય આપવા વડોદરા સરકારની સંમતિથી પોતે પેટલાદ તાલુકાના રેલ–વહીવટદાર બની ગયા. ગામડે ગામડે બબ્બે ત્રણ ત્રણ વખત ફરી રેલથી થયેલું નુકશાન, લોકોની જરૂરિઆત ને રાહતના માર્ગો જાણી લીધા; અને યથાશક્તિ સંગીન અને ઝડપી કાર્ય કરી બતાવ્યું. રેલ સંકટના નિવારણમાં તેમણે વડોદરા રાજ્યનો, પ્રાંતિક સમિતિનો, ઇતર જાહેર સંસ્થાઓનો ને ધનાઢ્ય વ્યકિતઓનો સહકાર મેળવી પ્રજાને બને તેટલી રાહત અપાવી હતી. છતાં એ દિવસોમાં પણ તેઓ પોતાનાં પ્રિય પુસ્તકાલયોને કે હરિજનોની હાડભારીઓને વિસર્યા ન હતા. ઠક્કર બાપા જેવા સુવિખ્યાત આજીવન સેવકને પેટલાદ તાલુકાનાં ગામડાંમાં પોતે ફેરવ્યા, તેમને કુદરતે કરેલા કરેલા નુકશાનનો અને લોકોના સંકટનો ખ્યાલ આપ્યો, તથા ‘સર્વન્ટ્‌સ ઓફ ઇન્ડીઆ સાયયટી’ની તેમની દ્વારા ઉત્તમમોતમ સક્રિય સહાનુભૂતિ મેળવી.