આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
સાહિત્યને ઓવારેથી
 

ત્યારે ભાગવત અથવા પાંચરાત્ર સંપ્રદાયે ભક્તિપ્રવાહ અવિચ્છિન્ન રાખ્યું હતું, અને તે જયદેવ ને નરસૈયો જેવા ગોવિંદનાં ગીત ગાનારાથી જાણીતો થયો હતો. એ ભક્તિનો પ્રવાહ અને તેની રાસલીલાના અંશો મહાભારતના હરિવંશમાં ભાગવતના દશમસ્કંધમાં અને અન્ય પુરાણોમાં પણ મળી આવે છે. છતાં નરસિંહની ભક્તિને આજે ગ્રહણ લાગ્યું છે. સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાતના તેજસ્વી વાણીવ્યક્ત ભક્તિસંપ્રદાયનો જશ નરસિંહ મહેતાને આપ્યો. પણ પછી તો તેને નકારનાર પણ પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ અને શ્રી. મુનશી જેવા મળી આવ્યા છે. કોઈ તેની ઉપર ચૈતન્યદ્વારા વૃંદાવનીય ભક્તિની અસર જુએ છે, તો કોઈ તેને વલ્લભસંપ્રદાયની છાયામાં બેસાડે છે. પણ ઉતાવળાં ને એકતરફી અનુમાને શાને કરવાં? આજે તો ‘ગુજરાતી’ સાપ્તાહિકે, શ્રી. બધેકાએ, શ્રી. મુનશીએ અને અન્ય લેખકો એ નરસૈયાની સ્થિતિ વધારે દુર્ગમ અને કફોડી કરી નાખી છે. સંગીન સંશોધનાત્મક અભ્યાસ જ આ બધાનો ઉકેલ લાવી શકે તેમ છે.

જૂનાગઢમાં નહિ રહેનાર વિવેચકોએ નરસિંહના જીવનને તથા સાહિત્યને સમરાંગણ બનાવી સાઠમારી શરૂ કરી દીધી છે, છતાં આપણે જૂનાગઢમાં રહીને પણ નરસિંહ મહેતા વિષે પ્રમાણભૂત કાંઈ ઉચ્ચારી ના શકીએ તે આપણી કેવળ લાચારી જ છે. પણ નરસિંહ વિષેના કૂટ પ્રશ્નો ઉપર આવું ત્યાર પહેલાં તેના જીવનના અદ્‌ભુત પ્રસંગો વિષે સ્હેજ કહી લેઉં. એ ચમત્કારોનો સ્વ. હ. દ્વા. કાંટાવાળા ‘મેસ્મેરિઝમ’ વડે ખુલાસો કરતા; ભાવિક ભક્તજન શ્રદ્ધાપૂર્વક કૃષ્ણના આશ્રયે તેમને તદ્દન વાસ્તવિક માને; વિવેચક તેમાં અર્થવાદની અતિશયોક્તિ જુએ;