આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
સાહિત્યને ઓવારેથી
 


કે ચાલાકીભરી છે. સમર્થ ધારાશાસ્ત્રી તરીકે શ્રી. મુનશી પણ જાણે છે કે નરસિંહ મહેતાને મોડો ઠરાવવા, કે સદીઓથી માન્ય રખાયેલા હારમાળાના પ્રસંગને નકારવા માટે સંગીન ખાત્રીલાયક પુરાવો રજુ કરવાનો છે જે બોજો તેમને શિર છે. તે કેવળ પ્રતિપક્ષીઓની દલીલોને તોડવાથી ઉતરી જતો નથી. “ગુજરાતી” સાપ્તાહિકના પક્ષકારોની દલીલોમાં અને સૈકાંઓથી ચાલતી આવેલી દંતકથાઓમાંયે કેટલાક તથ્યાંશો છે; પણ સંપૂર્ણ સત્ય તો એક્કેયમાં નહિ. કેવળ પક્ષાપક્ષી કે વાદાવાદીથી કાંઈ ખરૂં સત્ય ના જડે. પક્ષાપક્ષી હોય ત્યાં સત્યરૂપી પરમેશ્વર ના જ મળે એમ નરસૈયો પોતે પણ ભાખે છે.

અંતમાં, ઉપહાસ કરતી સમગ્ર નાતને ન્યાલ કરી જતો, ગુજરાતી કાવ્યસ્રોતને સમર્થ રીતે વહેતો મૂકતો તથા લોકસમુદાયની મશ્કરી સાંખી તેને ઉદ્ધારનો પંથ દાખવતો આ વૈષ્ણવજન જગતના જડવાદને અને દંભને હઠાવે છે; દેહનાં બંધનથી પર થઈ પરબ્રહ્મનાં દર્શન પામે છે, અને પાછળ અનુપમ ભક્તિનો પમરાટ પ્રસરાવતો જાય છે. નમ્ર નમન હો એ રાસદૃષ્ટા ભક્તકવિ વૈષ્ણવ નરસૈયાને, અને ધન્ય છે તેનાથી પુનિત થયેલી જૂનાગઢની આ ભારતપ્રસિદ્ધ ભૂમિને.❋[૧]





  1. ❋તા. ૧૬–૧૨–૩૪ના રોજ જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજની સાહિત્યસભા તરફથી ઉજવાયેલી નરસિંહ મહેતાની જયંતીના પ્રસંગે અપાયેલું ભાષણ. –કર્તા