આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો
૧૫૩
 

જોતજોતામાં તો ભાષણો આપતો ને સભાઓ ગજવતો થઈ ગયો. પ્રારંભમાં ધીરા ભગતનાં પદોએ તેના કાવ્યસંસ્કારને સ્ફુરાવ્યા. ત્રણ વર્ષના સંગીન અને સતત અભ્યાસ પછી પચ્ચીસમે વર્ષે સરસ્વતીનો પ્રસાદ વાંછતો નર્મદ કલમને ખોળે બેઠો, ને તેણે જીંદગીભરનો ભેખ લીધો. સમાજ સુધારામાં ને સાહિત્યક્ષેત્રમાં આવા નિષ્કામ ભેખ આજે પણ કેટલા વિરલ છે? ગરીબાઈની સામે યુદ્ધ ખેલતો, લોકસંઘને વિસ્મય પમાડતો, કાયરોને ત્રાડ દેતો, અને દંભીઓને પડકાર કરતો આ નરવીર ટુંક સમયમાં જ આખા ગુજરાતમાં જાણીતો થયો. તેણે ગુર્જરકાવ્યના પ્રવાહ પલટાવ્યા, મૂઢ સમાજને જાગૃત કર્યો, ને વિકૃત થતા સંપ્રદાયની સાન ઠેકાણે આણી.

મહેરામણની જેમ આ મહાપુની મહત્ત્વાકાંક્ષાને યે મર્યાદાઓ ન્હોતી. તેને વ્હેમોના અભેદ્ય દુર્ગો તોડવા હતા. બાળલગ્ન જેવી અનિષ્ટ રૂઢિઓને જમીનદોસ્ત કરવી હતી; તથા સાહિત્યને વિશાળ અને વિવિધ બનાવવું હતું. આમ જનતાની સર્વદેશીય પ્રગતિ સાધી સમસ્ત ગુજરાતને ગરવી અને મહિમાવંતી બનાવવાની તે મહેચ્છા સેવતો હતો.

ગુર્જર સાહિત્યને કવિ નર્મદે સંપ્રદાયનાં સાંકડાં બંધનોમાંથી મુક્ત કરી તેનો ધોધમાર પ્રવાહ વહેવરાવ્યો. તેને મન સાહિત્ય એક લોકકલ્યાણનું સાહિત્ય જ–સાધન જ–હતું. નર્મદજીવન એટલે પ્રજાના વિવિધ પ્રશ્નોનું મંથન. સમકાલીન દલપતરામની માફક આપણો નર્મદ પણ કેવળ સાહિત્યસ્રષ્ટા જ નહિ, પણ સંદેશવાહક હતો. તેની પ્રેરક અને વ્યાપક આર્ષદૃષ્ટિ સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્રેજી ને હિંદી સાહિત્ય ઉપર ફરી વળી; અને સંસ્કૃતિઓનાં સંધિકાળે સરસ્વતીના આ લાડીલા ભક્તે તેનાં