આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વર્તમાન ગુજરાતનો કવિ નર્મદનો વારસો
૧૫૫
 

કદરહીન સ્થિતિમાં છપાયેલો એ ‘નર્મકોષ’. ગરવી ગુજરાતને અર્પણ થએલો આ કોષ આજે પણ તેનો અનુપમ સ્મારક ગ્રંથ છે !

સમાજસુધારામાં પણ સર્વત્ર વિરાટ પગલે વિચરનાર આ સંસ્કારસ્વામીએ શું નથી કર્યું? વિધવાવિવાહ, સ્ત્રીકેળવણી, હુન્નરઉદ્યોગ, કુળમોટપ, જ્ઞાતિદૂષણો અને બીજાં સંખ્યાબંધ અનિષ્ટોની સામે નર્મદે તેની કલમ વડે કેવા સચોટ પ્રહાર કર્યા છે? અનેક સંપ્રદાયોનાં રહસ્ય સમજતા નર્મદે તેનાં પથ્ય અને અપથ્ય તત્ત્વો યુગદૃષ્ટાની એક વેધક નજરે જ નિહાળી લીધાં. માટીમાંથી મર્દ સરજવાનાં, કાયરને કેસરી કરવાનાં, અત્યાચારીએને ઉખેડવાનાં ને દંભીઓને ડારવાનાં આ ધીર વીર નર્મદે આકરાં વ્રત લીધાં હતાં. નર્મદ તે રક્ષક નહિ પણ છેદક હતો; સંધિદૂત નહિ, પણ સેનાની હતો. તે માત્ર મંત્રદ્રષ્ટા જ ન્હોતો, પણ શસ્ત્રોનો ને શાસ્ત્રોનોયે જાણકાર હતો. પેટે પાટા બાંધી પૌંઆ ઉપર રહીને પણ જીવનભર સંગ્રામ બેલનાર આ સેનાનીનાં સ્વપ્નો તેના સમયમાં કેટલાં સફળ થયાં? આજે પણ હજુ તે પાંગરે ને પ્રફુલ્લે છે, ફળવતાં તો નથી જ થયાં. રાજકારણ પરત્વે તેણે આલેખેલાં બ્રિટિશ રાજ્યતંત્ર અને રાજ્યઅમલનાં વિશિષ્ટ લક્ષણો આજે પણ ભવિષ્યવાણી સમાં લાગે છે. દેશપ્રેમ અને દેશોન્નતિ તેની સર્વગ્રાહી નજરમાંથી કેમ મુક્ત રહે ?

ટુંકમાં, ગુજરાતની ઉન્નતિ અર્થે ભાષાભિમાન સતેજ કરવામાં, સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં, સમાજને સામર્થ્ય આપવામાં આ સબળ સેનાનીએ તેની સર્વ શક્તિઓ ખર્ચી નાખી; અને તેથી જ તેને આજે પણ આપણે સંભારીએ છીએ.