આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોટમ: એક ઉપેક્ષિત ભક્તકવિ
૧૬૩
 

બંધાવી શક્યા હોત, અને સત્તા, સંપત્તિ તથા કીર્તિ કમાઈ શક્યા હોત; પણ ‘કંઠી બાંધે વંઠી અકલ શુદ્ધ ના કરી’ એમ ગાનાર કવિ આ રીતે પોતાનું અણમોલ જીવન કલુષિત કરે તેવા ન્હોતા. તેમણે એકાંત સેવ્યો ને યોગ સાધ્યો, પણ સ્વજનોનો ત્યાગ કરીને નહિ; તેઓ વીતરાગ બન્યા, પણ સંન્યાસ સ્વીકારીને નહિ; અને તેઓએ આત્મતત્ત્વ ઓળખ્યું, પણ સ્વગૃહ તજીને નહિ. તેમની સાત્વિક અને સંયમી, નિશ્ચલ અને નિક્ષેપ મનોવૃત્તિને કંઠીઓની, કૌપીનની, વાસનાની કે સંન્યાસની આવશ્યકતા ન લાગી; કારણકે તેમને સાચો રાહ મળ્યો હતો.

છોટમની વાણી તેથી પ્રાયઃ ધર્મ, નીતિ ને તત્ત્વજ્ઞાનના જ વિષયોને સ્પર્શે છે, જો કે તેમાં ક્વચિત્ સંસારના ઉલ્લાસના કે ઊંચી વાર્તાકલાના અંશો નજરે પડે છે. ભારતદેશ ત્યારે તેના પ્રાંતે પ્રાંતે ધર્માભિમુખ અને તત્વનિષ્ઠ હતો. પ્રાચીન કાળથી યે જગતભરનું સાહિત્ય મુખ્યત્વે ધાર્મિકતામાંથી જ ઉદ્દભવ્યું છે. ગુજરાતી કવિતાને પણ તેની બાલ્યાવસ્થામાં આવી ધર્મપ્રવૃત્તિએ જ હિંચોળી છે, હાલરડાં ગાયાં છે, ને હૈયાના હેતે ઉછેરી છે. નરસિંહ મહેતાથી આરંભીને કવિ દયારામ સુધીનો કાળ મુખ્યત્વે ધાર્મિક સાહિત્યથી જ વિશિષ્ટ બન્યો છે. પદ્મનાભ, ભાલણ કે શામળ વગેરે આમાં વિરલ અપવાદ જેવા છે. કવિ છોટમે પણ આમ આ જ પ્રાચીન માર્ગે કાવ્યસ્રોત વ્હેતો મૂક્યો. ઉપનિષદ્, મનુસ્મૃતિ, પુરાણ, આખ્યાનો ને લોકકથાઓ, તથા ભક્તકવિ નરસિંહ મહેતાનાં કાવ્યો: આ બધાંએ છોટમવાણી માટે વિષયની ભૂમિકા તૈયાર કરી. તેથી કવિ છોટમનું વક્તવ્ય વિશદ બને છે, અંતરની ઊર્મિઓ ઉછળે છે, ને વાણી વહ્યા જાય છે. તેઓ કહેતા કે: “બારી