આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
સાહિત્યને ઓવારેથી
 

પ્રચલિત ને પ્રિય રાગોને છોટમે પણ કાવ્ય માટે યોજ્યા છે; અને આ લલિત કવિની માફક છોટમે પણ હિંદી ભાષામાં છુટક કાવ્યો રચ્યાં છે. આવાં હિંદી કાવ્યમાં ‘દેખો દેખો રે આ ઘટકો’, ‘ઋતુરાજ વસંત હિ આયો’, ‘ફકીરી લે ફિરે કોઈ પિયારે’, ‘તેરે ઘટમેં સરજનહાર’, વગેરે ચિત્તાકર્ષક છે.*[૧] એકંદરે તો, નીતિબોધ આપતું ‘ધર્મ વિચારો રે ધર થકી’, ઉપનિષદ્-ભાવના પ્રગટાવતું ‘બે પંખીડે તનતરુવર પર વાસ કર્યો છે આવી’, અને માયાવાદને સમજાવતું ‘એ જ સકલ રેનકા સપના’, (હિંદી): આ પદો ખૂબ કીમતી ને ચિરસ્થાયી નિવડે તેવાં છે.

આમ કવિ છોટમની વાણી આધ્યાત્મિક ને ધાર્મિક હેતુથી જ રચાયેલી છે. તેમાં સંસારના રંગ ક્વચિત્ વિલસે છે, પણ બહુધા તો તે અપાર્થિવ કે પારલૌકિક જ બને છે. તેમાં વિચારોની, શબ્દોની, દ્રષ્ટાંતોની કે અલંકારોની પુનરુક્તિ છે. પણ કવિનો ઉદ્દેશ ને સંસારઘેલા પ્રાકૃત જનોનું અજ્ઞાન ધ્યાનમાં લેતાં આ પુનરુક્તિ આપણને અનુચિત નહિ, પણ આવશ્યક લાગશે.

છોટમ, પહેલાં કહ્યું છે તેમ, આધ્યાત્મિક વૃત્તિવાળા ભક્તજનોમાં ખાસ જાણીતા હતા; અને તેથી તેમને ગુરુ તરીકે પૂજ્ય ભાવે નિરખનાર કેટલાક શિષ્યો પણ હતા. તેમાંના કેટલાક નિકટ સહવાસમાં રહેનાર હતા, તો અન્ય વળી તેમને પરોક્ષ રીતે જ ગુરુ તરીકે પૂજતા ને તેમની વાણી ગાતા હતા. પણ ગુરુને મન તો આવા શિષ્યો વિષે અંગત રાગ કે સ્વાર્થબુદ્ધિ


  1. *આ બધાં ને પહેલાં જણાવેલાં પદો વાચકને ‘સસ્તું સાહિત્ય–વર્ધક કાર્યાલય’ તરફથી પ્રસિદ્ધ થયેલી ‘છોટમવાણી’ના પહેલા ગ્રંથમાં તેની અનુક્રમણિકા ઉપરથી જડી આવશે.—કર્તા