આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છોટમ : એક ઉપેક્ષિત ભક્તકવિ
૧૭૧
 

હતી જ નહિ ! આત્માના ઉદ્ધાર કાજે માર્ગ શોધતું ને બોધ યાચતું જે કોઈ આવે તેને માટે છોટમ મહારાજનાં દ્વાર અને હૃદય હંમેશાં ખૂલ્લાં હતાં. આવા શિષ્યોમાં દ્વિજ ગિરજાશંકર, સ્થાનિક પાટીદાર ગૃહસ્થ બકોરદાસ, મરઘાભાઈ પટેલ, પરપ્રાંતવાસી સેવાદાસ, અને અમદાવાદમાં કાંકરીઆ તળાવ પાસે ‘છોટમ ગુફા’ બાંધી રહેનાર સ્વામી શ્રી વાસુદેવાનંદતીર્થજી: આટલા તો આજે જાણીતા છે. વિશેષમાં ગામ તળના, અને આજુબાજુના પ્રદેશના કેટલાયે લોકો કવિની વાણી કંઠસ્થ કરતા ને લલકારતા, તથા ક્વચિત્ તેમની સેવા કરી જ્ઞાન લાભ મેળવતા.

શ્રી. મુનશી ‘ગુજરાત એન્ડ ઇટ્સ લિટ્‌રેચર’ નામે તેમના વિદ્વત્તાભર્યા ગ્રંથમાં અખા કવિ ઉપરના વિવેચનમાં તેના જેવા મધ્યકાલીન કવિઓની પરલોવાદી કવિતા પ્રત્યે સૂગાય છે, ને તેની ‘પારલૌકિકતાની કથાને’ (Gospel of Other-worldliness) વખોડે છે. જે કવિતામાં સંસારીઓની જીવનકથા ન હોય, જેમાં રસ ને ઉલ્લાસ ન હોય, જેમાં પ્રતિદિન અનુભવાતા માનવહૃદયના સહજ ભાવો ને ઉછળતી ઉર્મિઓ ન હોય, અને જેમાં દેહની નશ્વરતા, જગતની અસ્થિરતા, સંસારના વિરાગ, પરલોક તરફનો પ્રેમ, અને મરણોત્તર દશા જ નિરૂપાયાં હોય, તેવી કવિતા માટે શ્રી. મુનશી ઊંડો ખેદ દર્શાવે છે; કારણ કે તેમને ઇહ જીવન જ વાસ્તવિક ને સંગીન સત્ય લાગે છે. પણ તેમનું આ મંતવ્ય કેવળ દ્રષ્ટિભેદનું જ પરિણામ છે. પહેલાંના કવિઓની જીવન તરફની દ્રષ્ટિ ને જીવનસાફલ્યની ભાવના ત્યારે આજનાથી તદ્દન ભિન્ન હતાં. તે યુગનાં પ્રેરક બળોને ધ્યાનમાં લેતાં જણાશે કે અખાની, બ્રહ્માનંદની, ધીરાની, અને છોટમ વગેરેની કવિતામાં બ્રહ્મરસની ભરતી છે, ઘન ચિત્