આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વ્રજલાલ શાસ્ત્રી : એક સમર્થ સાક્ષર

સવી ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં જ્યારે ઇંગ્રેજી અમલ સાથે ભારતવર્ષમાં આયાત થયેલી પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રાચીન આર્યસંસ્કૃતિ ઉપર આક્રમણ કરી ગોકળગાયની ગતિએ આગળ વધતી હતી, ત્યારે ગુજરાતમાં યે ધર્મ અને સાહિત્ય, સમાજ અને રાજકારણ, સૌ પરિવર્તન પામી નવા સ્વરૂપો સરજાતાં હતાં. જૂની રૂઢિઓ અને જૂની માન્યતાઓ પદભ્રષ્ટ થઈને ધીમે ધીમે પશ્ચિમના નવા વિચારો અને પદ્ધતિઓને માર્ગ આપતી હતી. એવા સંક્રાંતિયુગમાં ગુજરાતે જે મહાન પુરુષોને જન્મ આપ્યો, તેમની જાહેર સેવાઓએ ગુજરાતના ઘડતરમાં કીમતી ફાળો આપ્યો છે. કવિ દલપતરામ, ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ રૂપરામ, રણછોડલાલ છોટાલાલ, દાદાભાઈ નવરોજજી, સ્વામી દયાનંદ અને કવિ નર્મદાશંકર ઈ. સ. ૧૮૨૦ થી ઈ. સ. ૧૮૩૩ સુધીમાં જન્મેલા આ સપ્તકે ભવિષ્યમાં ધર્મ, સમાજ, સાહિત્ય અને રાજકારણની ચારે દિશાઓને ઉજાળી. આવા આ સંક્રાન્તિ-કાળમાં જ વ્રજલાલ કાલીદાસ શાસ્ત્રીનો જન્મ વડોદરા રાજ્યના પેટલાદ તાલુકાના મલાતજ ગામમાં ઈ. સ. ૧૮રપમાં થયો હતો.

તેઓ જ્ઞાતિએ સાઠોદરા નાગર હતા. તેમણે નાનપણમાં વતનની ગામઠી કેળવણી પૂરી કરી, અને આગળ વધવા પેટલાદ, ડભોઈ, વડોદરા, ડાકોર, નાંદોલ, ચાણોદ-કન્યાળી વગેરે સ્થળોએ જઈને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. આ મેધાવી વિદ્યાર્થીની મહેચ્છા કાળબળે પ્રોદ્દીપ્ત થતી ગઈ, અને વિદ્યાના દૃઢ સંસ્કાર આપબળે