આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
સાહિત્યને ઓવારેથી
 

જ વિકાસ પામ્યા, શિનોરમાં રંગીલાલ મહારાજ પાસે થોડો વખત તેમણે ન્યાયનું અધ્યયન કર્યું, તે અન્યત્ર વળી વ્યાકરણની વિદ્યા જાણી, વેદની ઋચાઓ ઓળખી, અને વેદાન્તનું રહસ્ય પ્રીછ્યું. કુટિલ વ્યવહારથી અનભિજ્ઞ રહેતા આ યુવકે અનેકમુખી વિદ્યાને જ વિમુક્તિ માની, અને સરસ્વતી- સેવામાં જ જીવનસાફલ્ય જોયું. વિત્તૈષણા ન કચડી શકી તેની વિદ્યારુચિને, અને સંસારજાળ ન બાંધી શકી તેની પ્રજ્ઞાને.

મ્હોંએ શીતળાનાં ચાઠાં, મધ્યમ પ્રમાણનું પુષ્ટ અને કદાવર શરીર; સાદાં વસ્ત્ર: અંગરખું, ધોતીયું, દક્ષિણી પાઘડી, ખભે શાલ કે અંગવસ્ત્ર; પગે જાડા જોડા; આંખો કે કપાળમાં ખાસ તરી આવે બુદ્ધિમત્તા કે વિદ્વત્તાનું તેજ નહિ; સામાન્ય જનને પહેલી નજરે તે તેઓ છેક પ્રાકૃત પુરુષ જ લાગે. આકૃતિ અહીં ગુણોની સૂચક નહિ, પણ તેમને ગુપ્ત રાખનાર જવનિકા જેવી હતી. આટલું શબ્દચિત્ર વાચકના મનશ્ચક્ષુ આગળ શાસ્ત્રીજીને પ્રત્યક્ષ કરવા માટે પૂરતું છે.

વિનય, સરલતા ને શરમાળપણું શાસ્ત્રીના સ્વભાવનાં મુખ્ય લક્ષણો હતાં. વિદ્યા અને વ્યાવહારિકતા એ પણ કુટુંબનો વારસો હતા, અને ચાર ભાઈઓએ યથારુચિ તે વહેંચી લીધો. મોટાભાઈ છોટાલાલ તે ગુજરાતી સાહિત્યમાં કવિ છોટમ તરીકે સુવિખ્યાત છે, અને તેમની સાહિત્યસેવાનાં મૂલ્ય અગાઉ આંકવામાં આવ્યાં છે જ. બીજા ભાઈ હિરાલાલ જ્યોતિષશાસ્ત્રના પંડિત હતા, અને ત્રીજા ભાઇ શંભુલાલ વ્યવહારકુશળ હતા. સૌથી કનિષ્ટ વ્રજલાલે શાસ્ત્રીય વિદ્વતાને પોતાનું જીવનવ્યસન બનાવ્યું, અને સ્વપરાક્રમે ‘શાસ્ત્રી’ની નવી ઉપાધિ મેળવી